રૂા.૨૭૦ની થાળી વેચતા `બાલાજી થાળ’માંથી ધનેડાવાળો લોટ પકડાયો
લીલી ચટણી, પુરણપોળીનો માવો, મીઠો મસાલો, ચટણી, મરચું પાઉડર સહિત ૧૫૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ: દસ હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો
મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનરનો આદેશ છૂટતાં જ મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તેમજ વાસી ખોરાક ધાબડતાં તત્ત્વો ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. મંગળવારે અલગ-અલગ વિસ્તારોમાં કરાયેલા ચેકિંગ બાદ મોટાપાયે અખાદ્ય જથ્થો મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને રૂા.૨૭૦માં ગુજરાતી થાળીનું વેચાણ કરતા `બાલાજી થાળ’માંથી ધનેડાવાળો લોટ પણ પકડાયો હતો.
ફૂડ શાખા દ્વારા રૈયા ચોકડી પાસે નાગરિક બેન્ક સામે પહેલાં માળે આવેલા બાલાજી થાળમાં ચેકિંગ કરતાં ત્યાંથી લીલી ચટણી, પુરણપોળીનો માવો કે જે ફ્રિઝમાં સંગ્રહિત કરાયો હતો, બાંધેલો લોટ-મેંદો કે જેમાં ધનેડા આંટા મારી રહ્યા હતા. મીઠો મસાલો, ચટણી, મરચું પાઉડર મળી કુલ ૧૫૦ કિલો અખાદ્ય જથ્થાો મળી આવતાં તેનો નાશ કરી પેઢી પાસેથી દસ હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: તૃણમૂલના બળવાખોરોનું ‘નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી’ માં વિલય થવું શું એ નાટક છે?
આ ઉપરાંત કૂવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ડી-માર્ટવાળો ૫૦ ફૂટ રોડ, કૂવાડવા રોડ, જૂનો મોરબી રોડ, રામકૃષ્ણ આશ્રમ રોડ, મહિલા કોલેજ રોડ, નાનામવા મેઈન રોડ, કિસાનપરા ચોક, મોરબી રોડ જકાતનાકા પાસેનો હોકર્સ ઝોન, કુંડલિયા કોલેજ સામેનો હોકર્સ ઝોન, એ.જી.ચોક હોકર્સ ઝોન સહિતના સ્થળે આવેલી ૯૩ પેઢી, રેસ્ટોરન્ટ તેમજ હોકર્સ ઝોનમાં ઉભી રહેતી રેંકડીઓમાં તપાસ કરતાં ૨૪૬ કિલો વાસી ખોરાક મળી આવતાં ૩૧૩૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
જ્યારે જામનગર રોડ પર માધાપર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી મારવેલ માર્કેટિંગ નામની પેઢીમાં તપાસ કરતાં ત્યાં રખાયેલા ગુલાબજાંબુના લેબલ ઉપર મેન્યુફેક્ચર ડેટ તેમજ એક્સપાયરી ડેટ જોવા ન મળતાં ૧૩ કિલો જથ્થાનો નાશ કરાયો હતો. આ ઉપરાંત ફૂડ શાખાએ આઈસ ગોલાનું સીરપ, મરચા પાઉડર, ઘી, પનીર તંદૂરી સેન્ડવિચ, વેજ ચીઝ સેન્ડવિચ, થાબડી સહિતના નમૂના લઈ પરિક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા હતા.
