બળાત્કારની ફરિયાદ કરનારી મહિલાને થૂંક ચાટવાની સજા
ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં
બિહારના બેગુસરાય જિલ્લામાં બળાત્કારની ફરિયાદ કરનારી મહિલાને ન્યાય અપાવવાને બદલે ગામની પંચાયતે જાહેરમાં અપમાનજનક સજા ફટકારી હતી. મહિલાને સૌની સામે કાન પકડીને ઊભી રાખ્યા બાદ જમીન પર પડેલો થૂંક ચાટવા મજબૂર કરવામાં આવી હોવાનું વીડિયોમાં જોવા મળે છે.
મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 2 જૂનની રાત્રે પડોશમાં રહેતો એક વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાના જણાવ્યા અનુસાર આરોપી બારી મારફતે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ગામલોકોએ તેને ઝડપી લીધો હતો. જોકે પોલીસને જાણ કરવાની જગ્યાએ ગામમાં પંચાયત બોલાવી બંનેને જાહેરમાં અપમાનજનક સજા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બોસ્ટન યુનિવર્સિટીની સ્કોલરશીપ અને શિક્ષણ લોનમાંથી અમેરિકામાં ભણ્યો: અભિજીત દીપકે
31 જુલાઈએ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ 1 ઓગસ્ટે મહિલાએ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. વાયરલ વીડિયોમાં પહેલા મહિલાને કાન પકડીને ઊભી રાખવામાં આવે છે અને ત્યારબાદ તેને જમીન પરનો થૂંક ચાટવા માટે મજબૂર કરવામાં આવતી હોવાનું જોવા મળે છે.
જોકે ગામના કેટલાક લોકોએ, મહિલા અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હોવાનો અને બંનેને વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા બાદ પંચાયતે આ કાર્યવાહી કરી હોવાનો બચાવ કર્યો છે.
