શરદ પવારની એનસીપી એનડીએમાં જોડાઈ શકે તેવી શક્યતા
રાજકીય આલમમાં ભારે ચર્ચા, પાર્ટીમાં આંતરિક મંથન ચાલી રહ્યું છે
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા રાજકીય ઉથલપાથલની અટકળો તેજ થઈ ગઈ છે. ચર્ચા છે કે શરદ પવારના નેતૃત્વ હેઠળની NCP-SP ભવિષ્યમાં BJPના નેતૃત્વ હેઠળની NDAનો ભાગ બની શકે છે. જોકે, પાર્ટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. પરંતુ, સૂત્રોનો દાવો છે કે આ મુદ્દે ગંભીર આંતરિક મંથન ચાલી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બદલાતી રાજકીય પરિસ્થિતિ અને પાર્ટીની વર્તમાન તાકાતને ધ્યાનમાં રાખીને, શરદ પવાર બધા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પાર્ટીના એક વરિષ્ઠ નેતાને સાંસદો અને ધારાસભ્યોનો અભિપ્રાય લેવાની અને NDA સાથે જવાનો પ્રસ્તાવ આવે તો પાર્ટીનું વલણ શું હશે તેનું મૂલ્યાંકન કરવાની જવાબદારી સોંપી છે.
હાલમાં, શરદ પવાર જૂથના વિધાનસભામાં 10 ધારાસભ્યો છે અને આઠ એમપી છે. આ રીતે, પાર્ટી સમક્ષ બે વિકલ્પો રજૂ કરવામાં આવી રહ્યા છે – કાં તો સીધા NDAમાં જોડાવું અથવા બહારથી ટેકો આપવા જેવા વિકલ્પો પર વિચાર કરવો. જોકે, આ ચર્ચાઓ અંગે પાર્ટી તરફથી કોઈ ઔપચારિક નિવેદન બહાર આવ્યું નથી.
આ અટકળોને તે સમયે વધુ બળ મળ્યું, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વાડેટ્ટીવારે પણ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ વિષય પર ચર્ચા ચાલુ છે અને હવે જોવાનું રહેશે કે શરદ પવારનું જૂથ વિચારધારાને પસંદ કરે છે કે સત્તાને. આમ મહારાષ્ટ્રમાં હજુ પણ આગામી દિવસોમાં અનેક ખેલ થઈ શકે છે.
