અમદાવાદને મળી હાઈટેક RTO ભેટ: 17 વિભાગ એક જ છત નીચે
અમદાવાદના વાહનચાલકો અને અરજદારો માટે મોટા રાહતના સમાચાર છે. શહેરની જૂની RTO કચેરીની ભીડ અને લાંબી લાઈનથી હવે મુક્તિ મળશે. 9 જુલાઈના રોજ શહેરમાં નવી અત્યાધુનિક RTO કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. સંપૂર્ણ વાતાનુકૂલિત આ કચેરીમાં AI ટેકનોલોજી આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લઈને 17 જુદા જુદા વિભાગોને એક જગ્યાએ ગોઠવવામાં આવ્યા છે. જેનાથી નાગરિકોનો સમય બચશે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બનશે.
AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની ખાસિયત
નવી કચેરીની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં અત્યાધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે. હવે ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન કોઈ માનવીય ભૂલની શક્યતા રહેશે નહીં.
ટેસ્ટનું રજિસ્ટ્રેશન અને વીડિયો ડિસ્પ્લે માટે અલગ એરિયા બનાવવામાં આવ્યો છે. આ સાથે વાહનો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
નાગરિકલક્ષી સુવિધાઓથી સજ્જ કચેરી
નવી કચેરી સંપૂર્ણપણે વાતાનુકૂલિત છે. અરજદારો માટે પીવાના શુદ્ધ પાણી, જાહેર શૌચાલય, લિફ્ટ અને ફાયર સેફ્ટીની આધુનિક હોઝ રીલ સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. સ્ટાફ માટે અલગ શૌચાલય અને બેઠક વ્યવસ્થા તેમજ હાઈટેક સર્વર રૂમ અને AHU રૂમ પણ બનાવવામાં આવ્યા છે.
ધીમે-ધીમે તમામ સેવાઓ શિફ્ટ થશે
ગત કેટલાક દિવસોથી નવી કચેરીમાં સિસ્ટમ સેટ કરવાની કામગીરી ચાલી રહી હતી. આજથી મુખ્ય કામકાજ અહીંથી શરૂ કરી દેવામાં આવ્યું છે. બાકી રહેલી થોડી સિસ્ટમોને પણ ટૂંક સમયમાં શિફ્ટ કરીને તમામ સેવાઓને 100% લાઈવ કરી દેવામાં આવશે.
3 ફ્લોરમાં 17 ડિપાર્ટમેન્ટ્સ
- P.R.O. (જનસંપર્ક અધિકારી) ઓફિસ
- ટેસ્ટ રૂમ
- લાઇસન્સ સેક્શન: નોન ફેસલેસ, ફોટો કેપ્ચર, લાઇસન્સ બેકલોગ અને લાઇસન્સ સુધારણા વિભાગ
- રીટર્ન અને આંતરરાષ્ટ્રીય વિભાગ: આરસી (RC) રીટર્ન, લાઇસન્સ રીટર્ન અને ઇન્ટરનેશનલ લાઇસન્સ કામકાજ
- પબ્લિક વેટિંગ એરિયા (જાહેર રાહ જોવાની જગ્યા)
- ટ્રેક ટેસ્ટ રજિસ્ટ્રેશન (નોંધણી)
- ટ્રેક ટેસ્ટ વીડિયો ડિસ્પ્લે એરિયા
- સ્ટાફ બેઠક વ્યવસ્થા
- A.R.T.O. ઓફિસ
- ઇન્સ્પેક્ટર ઓફિસ
- આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફિસ
- સ્પેશિયલ વેટિંગ એરિયા
- જાહેર શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા
- સ્ટાફ શૌચાલય અને પીવાનું પાણી
- હાઈટેક સર્વર રૂમ
- AHU રૂમ
- અન્ય સુવિધાઓ: દાદર, લિફ્ટ, જાહેર શૌચાલય, ફાયર સેફ્ટી અને હોઝ રીલની આધુનિક સિસ્ટમ
નવી કચેરીમાં હજુ પણ બાકી રહેલી થોડીઘણી સિસ્ટમ્સને ધીમે-ધીમે સેટ કરીને ટૂંક જ સમયમાં તમામ સેવાઓ સંપૂર્ણપણે સો ટકા લાઈવ કરી દેવામાં આવશે.આ નવી સુવિધાથી અમદાવાદીઓને હવે RTO ના કામ માટે કલાકો સુધી રાહ જોવી નહીં પડે. AI ટેકનોલોજીના કારણે પ્રક્રિયા ઝડપી, પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત બનવાની આશા છે.
