RAF જવાને પેલેટ ગનના એક બે નહીં પણ સાત રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનો તપાસમાં ધડાકો
પાંચ રાઉન્ડ પ્રદર્શનકારીઓને વાગ્યા, બે જમીન પર પડ્યા: તપાસમાં રાહુલ ગાંધીના આક્ષેપોને સમર્થન
20 જુલાઈના CJPના ‘સંસદ ચલો’ વિરોધ માર્ચ દરમિયાન દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારમાં તૈનાત રેપિડ એક્શન ફોર્સ (RAF)ના એક જવાને પેલેટ ગનમાંથી કુલ સાત રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાંથી પાંચ રાઉન્ડ પ્રદર્શનકારીઓને વાગ્યા હતા જ્યારે બે જમીન પર પડ્યા ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ વિગતો CRPFની આંતરિક તપાસમાં સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો શરૂ કર્યા બાદ આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનામાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી.નોંધનીય છે કે
વિરોધ પ્રદર્શન માં પેલેટ ગનના ઉપયોગ અંગે ભારે વિવાદ થયો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક ઘાયલ યુવાનને સાથે રાખી પત્રકાર પરિષદ કરી હતી અને પોલીસ દમણ સામે ગંભીર સવાલો કર્યા હતા. હવે તપાસમાં તેમના આક્ષેપોને સમર્થન મળ્યું છે.
CRPF દ્વારા અગાઉ પેલેટ ગનનો ઉપયોગ થયો હતો કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન RAFના ડ્યૂટી લોગ અને નોંધોની ચકાસણીમાં જાણવા મળ્યું કે એક જવાને સાત રાઉન્ડ છોડ્યા હતા. CRPFના ડિરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે આંદોલન પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાનું વ્યાવસાયિક મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ મુખ્યાલયનો સત્તાવાર અભિપ્રાય જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: `કાળા હિરણ’ ફિલ્મના ટીઝર અને લિંક્સ હટાવવાનો કડક આદેશ
આંતરિક સમીક્ષામાં એવું પણ નોંધાયું કે 20 જુલાઈના વિરોધ દરમિયાન ભીડ નિયંત્રણ માટે અપનાવવામાં આવેલી ‘ફોર્સ ગ્રેડિયન્ટ’ની પદ્ધતિ RAFની તાલીમ અને નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ નહોતી. ત્યારબાદ અધિકારીઓને સૂચના આપવામાં આવી કે બળનો ઉપયોગ માત્ર જરૂરી તેટલો જ અને સંતુલિત, સંવેદનશીલ તથા તબક્કાવાર રીતે કરવો. લાઠીચાર્જ, ટિયર ગેસ સહિતના મંજૂર ભીડ નિયંત્રણના ઉપાયો અપનાવતા પહેલાં જરૂરી ચેતવણી આપવાની પણ સૂચના આપવામાં આવી છે.
પેલેટ સહિતના પ્રોજેક્ટાઇલ હથિયારોના ઉપયોગ પર રોક
RAFના ઇન્સ્પેક્ટર જનરલ સીમા ધુંધિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દિલ્હીમાં આગામી આદેશ સુધી પ્રોજેક્ટાઇલ એક્શન ગન (PAG), એન્ટી-રાયટ ગન (ARG), ઇલેક્ટ્રિક શોક હથિયાર અને ઇલેક્ટ્રિક શિલ્ડનો ઉપયોગ કે જારી ન કરવા સૂચના આપવામાં આવી છે. બેઠકમાં જંતર-મંતર અને ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન થયેલા ‘અતિશય બળપ્રયોગ’ને અન્યાયી ગણાવી RAFની નિર્ધારિત પ્રક્રિયા અને તાલીમના ધોરણોનું પાલન ન થયું હોવાનું જણાવાયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાના સંચાલન અંગે IGએ ગંભીર અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવતી વખતે તબક્કાવાર તથા નિયંત્રિત બળપ્રયોગ કરવાની કડક સૂચના આપવામાં આવી છે.
28 વર્ષીય પત્રકારના શરીરમાં 30 છરા
20 જુલાઈના ‘સંસદ ચલો’ વિરોધ માર્ચ દરમિયાન પેલેટ ગનના છર્રા વાગતાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા હતા. તેમાં ગુરુગ્રામમાં કામ કરતા 25 વર્ષીય ઇરશાદ શેખ, દિલ્હી યુનિવર્સિટીના 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ લોચાબ અને આઉટલુક મેગેઝિનના 28 વર્ષીય પત્રકારનો સમાવેશ થાય છે. ત્રણેયને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ઘાયલ પત્રકારે જણાવ્યું હતું કે તેમના શરીરમાં હજુ પણ 30 જેટલા પેલેટ ફસાયેલા છે અને તેમણે આ ઘટનામાં વળતરની માંગ પણ કરી છે.
