બોફર્સ કેસમાં કાયમી પડદો: સુપ્રીમ કોર્ટે હિન્દુજા ભાઈઓ સામેની અરજી ફગાવી
CBIની અપીલ પણ અગાઉ જ નામંજૂર થઈ હતી, હવે કેસ ફરી ખોલવાનો માર્ગ સંપૂર્ણ બંધ
દેશના સૌથી ચર્ચિત અને રાજકીય રીતે વિવાદાસ્પદ બોફર્સ કેસમાં હવે આખરી પડદો પડી ગયો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે હિન્દુજા ભાઈઓ અને સ્વીડનની શસ્ત્ર નિર્માતા કંપની એબી બોફર્સ સામેની ફોજદારી કાર્યવાહી ફરી શરૂ કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે અરજી પર વધુ સુનાવણી કરવાનો ઇનકાર કરતાં સ્પષ્ટ કર્યું કે 2005માં દિલ્હી હાઇકોર્ટ દ્વારા કાર્યવાહી રદ કરવામાં આવી ચૂકી છે અને ત્યારબાદ CBIની અપીલ પણ નિષ્ફળ ગઈ હોવાથી હવે આ મામલો ફરીથી જીવંત કરવાનો કોઈ આધાર રહેતો નથી.
સુનાવણી દરમિયાન અરજદારે હિન્દુજા ભાઈઓમાંથી અવસાન પામેલા શ્રીચંદ પી. હિન્દુજા અને ગોપીચંદ પી. હિન્દુજાનાં નામ અરજીમાંથી દૂર કરવા માટે ચાર સપ્તાહનો સમય માંગ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે આ માંગ ફગાવી દીધી હતી.
કોર્ટે સવાલ ઉઠાવ્યો કે જ્યારે હાઇકોર્ટ કાર્યવાહી રદ કરી ચૂકી છે અને CBIની અપીલ પણ નામંજૂર થઈ ગઈ છે, ત્યારે હવે આ વિવાદમાં નિર્ણય માટે શું બાકી રહ્યું છે?
આ પણ વાંચો: લાલ ગ્રેવીમાં તરતું ‘સફેદ ઝેર’: પનીર પર પડી પસ્તાળ!
ઉલ્લેખનીય છે કે 31 મે, 2005ના રોજ દિલ્હી હાઇકોર્ટે શ્રીચંદ, ગોપીચંદ અને પ્રકાશ હિન્દુજા તેમજ એબી બોફર્સને તમામ ફોજદારી આરોપોમાંથી મુક્ત કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે CBI આરોપોને સમર્થન આપતા વિશ્વસનીય અને કાનૂની રીતે માન્ય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી અને હિન્દુજા ભાઈઓને 1986ના તોપ સોદામાં ગેરકાયદે કમિશન મળ્યું હોવાનો કોઈ સીધો પુરાવો પણ રજૂ કરી શકી નહોતી.
આ સાથે જ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બોફર્સ કેસમાં હિન્દુજા ભાઈઓ સામેની કાર્યવાહી ફરી શરૂ કરવાની તમામ કાનૂની શક્યતાઓનો અંત આવી ગયો છે.
હાઇકોર્ટે CBIની આકરી ટીકા કરી હતી
દિલ્હી હાઇકોર્ટે પોતાના 2005ના ચુકાદામાં CBIની તપાસ પર કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે સ્વીડિશ સત્તાવાળાઓ પાસેથી મેળવાયેલા દસ્તાવેજો મૂળ કે પ્રમાણિત નકલો નહોતા અને આવા અપ્રમાણિત દસ્તાવેજોના આધારે કેસ ચલાવવો ન્યાયસંગત નથી. કોર્ટે નોંધ્યું હતું કે આ તપાસમાં સરકારી ખજાનામાંથી અંદાજે ₹250 કરોડ ખર્ચાયા છતાં આરોપોને સમર્થન આપતા વિશ્વસનીય પુરાવા રજૂ થઈ શક્યા નહોતા. કોર્ટે તેને જાહેર નાણાં અને અદાલતી સમયનો વ્યય ગણાવ્યો હતો.
શું હતો બોફર્સ વિવાદ? રાજીવ ગાંધીનું નામ કેવી રીતે જોડાયું?
24 માર્ચ, 1986ના રોજ ભારત સરકારે સ્વીડનની કંપની એબી બોફર્સ પાસેથી 400 હોવિત્ઝર તોપોની ખરીદી માટે અંદાજે ₹1,437 કરોડનો સોદો કર્યો હતો. એક વર્ષ બાદ સ્વીડિશ રેડિયોના અહેવાલમાં આ સોદો મેળવવા માટે ભારતીય રાજકીય અને રક્ષણ ક્ષેત્રના કેટલાક લોકોને ગેરકાયદે કમિશન ચૂકવાયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.. ત્યારબાદ ભારે રાજકીય તોફાન મચ્યું અને તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ પણ વિરોધ પક્ષે આક્ષેપો સાથે જોડ્યું.બોફર્સ મુદ્દો 1989ની લોકસભા ચૂંટણીમાં સૌથી મોટો રાજકીય મુદ્દો બન્યો અને રાજીવ ગાંધીની સરકારને ભારે રાજકીય નુકસાન થયું. જોકે, વર્ષો સુધી ચાલેલી તપાસ અને અદાલતી કાર્યવાહીમાં રાજીવ ગાંધી સામે લાંચ લેવાનો કોઈ કાનૂની પુરાવો સ્થાપિત થઈ શક્યો નહોતો. 2004માં દિલ્હી હાઇકોર્ટે તેમની સામેના ભ્રષ્ટાચાર અને લાંચના આરોપો રદ કરી દીધા હતા અને એ કેસમાં તેમની કોઈ સંડોવણી ન હોવાનું જાહેર કર્યું હતું.
