રાજકોટ રેન્જમાં સપાટો: ડી-સ્ટાફના કર્મચારીઓની કુંડળી મંગાવાતા પોલીસ બેડામાં ભારે ફફડાટ
રાજકોટ રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે ડી.આઈ.જી નિર્લિપ્ત રાય દ્વારા એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રેન્જ હેઠળ આવતા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ડી-સ્ટાફ (D-Staff) ના કર્મચારીઓની આખી કુંડળી મંગાવવામાં આવી છે. આ ઓર્ડરના કારણે વિભાગીય સ્તરે ભ્રષ્ટ કે શંકાસ્પદ છબી ધરાવતા પોલીસ કર્મચારીઓમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો છે.
સગા-સંબંધીઓની વિગતો સાથે 7 મુદ્દાનો ડિટેઈલ રિપોર્ટ ફરજિયાત
ડી.આઈ.જી નિર્લિપ્ત રાય દ્વારા તમામ જિલ્લાના પોલીસ વડાઓ (SP) પાસે ડી-સ્ટાફના કર્મચારીઓનો એક વિસ્તૃત અહેવાલ ત્વરિત ધોરણે રજૂ કરવાનો આદેશ અપાયો છે. જે મુજબ ડી-સ્ટાફના દરેક કર્મચારી પાસેથી 7 મુદ્દાની વિગતવાર માહિતી માંગવામાં આવી છે:
અધિકારી/કર્મચારીનું નામ
મૂળ વતન
હાલનું સરનામું
કેટલા સમયથી ડી-સ્ટાફમાં ફરજ બજાવે છે
કોઈ સગા-સંબંધી ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં
જો હોય તો તેનું નામતેની સાથે શું સંબંધ છે
આ પણ વાંચો: ચૂંટણી પંચમાં આંતરિક વિખવાદ અને ફોર્મ 6 નો વિવાદ: CEC સામે 14 ફરિયાદોનો મામલો કેબિનેટ સચિવ સુધી પહોંચ્યો, ફરિયાદ બાદ EC એ આપ્યો જવાબ
સ્વચ્છ છબી ધરાવતા કર્મચારીઓને જ મળશે ડી-સ્ટાફની જવાબદારી
સામાન્ય રીતે ડી-સ્ટાફની ટીમ ગુનાખોરી ડામવા અને બાતમીદારી મેળવવા માટે જવાબદાર હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલાક બનાવોમાં પોલીસકર્મીઓની જ શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી, જેના કારણે વિભાગને પણ શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું. આ કિસ્સાઓમાં અગાઉ કેટલાક કર્મચારીઓ સામે સસ્પેન્શનની કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં આ તમામ રિપોર્ટ્સની ચકાસણી કરીને જે કર્મચારીઓની છબી બેદાગ અને સ્વચ્છ હશે માત્ર તેમને જ ડી-સ્ટાફમાં રાખવામાં આવશે. આ સાથે જ ડી-સ્ટાફની કાર્યપદ્ધતિને એલસીબી (LCB) જેવી વ્યાવસાયિક અને જવાબદારીપૂર્વકની બનાવવાની દિશામાં કડક નિર્દેશો આપવામાં આવી શકે છે.
ડી.આઈ.જી નિર્લિપ્ત રાયની આગેવાની હેઠળ લેવાયેલો આ કડક નિર્ણય સાબિત કરે છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર કે અપરાધીઓ સાથેની સાઠગાંઠ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. આ હાઈ-લેવલ તપાસના કારણે આગામી સમયમાં પોલીસ તંત્ર વધુ જવાબદાર બનશે અને પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થશે.
