સીમાંકન બિલને સમર્થન નહીં જ: વિવિધ અટકળો વચ્ચે DMK એ વલણ સ્પષ્ટ કર્યું
ઉધયનિધિ સ્ટાલિને કહ્યું – ડીએમકે શરૂઆતથી જ વિરોધમાં હતી અને રહેશે
કેન્દ્ર સરકાર મહિલા અનામતના અમલ સાથે લોકસભા પરિસીમન (ડિલિમિટેશન) બિલને ફરીથી આગળ ધપાવવાની તૈયારીમાં હોવાનું સંકેત મળતાં તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. આ બિલને ડીએમકે
સમર્થન આપી શકે છે એવા વહેતા થયેલા અહેવાલો વચ્ચે હવે પક્ષે પોતાનું વલણ સ્પષ્ટ કરી આ બિલને સમર્થન નહીં જ આપવાની જાહેરાત કરી છે. પક્ષના નેતા ઉધયનિધિ સ્ટાલિને સ્પષ્ટ કર્યું છે કે ડીએમકે શરૂઆતથી જ પરિસીમનનો વિરોધ કરતી આવી છે અને ભવિષ્યમાં પણ આ જ વલણ જાળવી રાખશે.
આ દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે રાજ્યના લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોની બેઠક બોલાવી છે. બેઠકમાં પ્રસ્તાવિત સીમાંકન બિલ અને તેના રાજ્ય પર પડનારા સંભવિત પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ બિલનો વિરોધ કરી તેના સમર્થકોને ’21મી સદીના એટ્ટાપ્પન’ (દ્રોહીનું પ્રતિક) ગણાવ્યા છે અને વિરોધ પક્ષને આ બિલ સ્વીકાર્ય ન હોવાનો કેન્દ્ર સરકારને સ્પષ્ટ સંદેશો આપ્યો છે.
આ પણ વાંચો: બોફર્સ કેસમાં કાયમી પડદો: સુપ્રીમ કોર્ટે હિન્દુજા ભાઈઓ સામેની અરજી ફગાવી
નોંધનીય છે કે ડીએમકે અને ટીવિકે (TVK) વચ્ચે રાજકીય તણાવ વચ્ચે મુખ્યમંત્રી વિજયે તમામ પક્ષોના સાંસદોને એક મંચ પર લાવવાનો પ્રયાસ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સાંસદો ધરાવતી ડીએમકે બેઠકના પરિણામ પર અસરકારક ભૂમિકા ભજવી શકે છે.
ડીએમકેની ત્રણ મુખ્ય માંગણીઓ
આગામી 25 વર્ષ સુધી લોકસભાના પરિસીમન માટે 2011 નહીં, પરંતુ 1971ની વસ્તી ગણતરીને આધાર બનાવવો.
તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોમાં સમાન રીતે 50 ટકા વધારો કરવો.
પરિસીમન બાદ દરેક રાજ્યને કેટલી બેઠકો મળશે તેની સ્પષ્ટ રાજ્યવાર યાદી બિલમાં સામેલ કરવી.
દક્ષિણના રાજ્યો શા માટે વિરોધમાં?
દક્ષિણના રાજ્યોનું કહેવું છે કે વસ્તીના આધારે પરિસીમન થશે તો વધુ વસ્તી વૃદ્ધિ ધરાવતા ઉત્તર ભારતને વધારે બેઠકો મળશે.
દક્ષિણના રાજ્યો વર્ષોથી વસ્તી નિયંત્રણમાં સફળ રહ્યા હોવાથી તેમને પ્રમાણમાં ઓછો લાભ મળશે.
પરિણામે સંસદમાં દક્ષિણના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે અને કરવેરાની વહેંચણીમાં પણ અસર પડી શકે છે.
કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા મળીને દેશની આશરે 24 ટકા વસ્તી ધરાવે છે.
