આપણા લોકો દેશમાં ગંદકી ફેલાવે અને વિદેશમાં નિયમોનું પાલન કરે છે!!!
મુંબઈ હાઇકોર્ટે અનેક અરજીઓ અંગે સુનાવણી દરમિયાન નાગરિકોની કુટેવ બારામાં સખત ટિપ્પણી કરી
દેશમાં લોકોની ગમે ત્યાં કચરો ફેંકવાની, ગંદકી કરવાની ટેવ પર મુંબઈ હાઇકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે ટિપ્પણી કરતા કહ્યું કે, ‘લોકો ભારતમાં તો ગમે ત્યાં કચરો ફેંકી દે છે, પરંતુ વિદેશોમાં જઈને આ અંગેના તમામ નિયમોનું પાલન કરે છે. ત્યાં લોકો માત્ર નક્કી કરેલી જગ્યાએ જ કચરો નાખે છે.’ અદાલતે સવાલ ઉઠાવ્યો હતો કે, ‘શું આઝાદી અને લોકશાહીની કિંમત આ જ છે?’ દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવે તો જ સ્વચ્છ વાતાવરણ મળશે.
ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણી અને જસ્ટિસ આરતી સાઠેની બેંચે નાગરિકો અને મ્યુનિસિપલ અધિકારીઓને જાગરૂક કરવા પર ભાર મૂક્યો હતો, જેથી જાહેર રસ્તાઓ અને જગ્યાઓ પર કચરો ન પડેલો રહે તે સુનિશ્ચિત કરી શકાય. શહેર સાફ રાખવાની જવાબદારી માત્ર મહાપાલિકાઓની નથી, દરેક નાગરિકની છે.
અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, ‘જો આપણે સ્વચ્છ વાતાવરણ ઇચ્છતા હોઈએ, તો સફાઈ જાળવવી એ આપણી મૂળભૂત જવાબદારી છે. વિદેશમાં જઈને નિયમો પાળતા અને ડસ્ટબિનનો જ ઉપયોગ કરતા લોકો અહીં રસ્તા પર ગંદકી કરતા અચકાતા નથી. કોર્ટે નાગરિક તંત્રના અધિકારીઓને કચરો ફેંકનારાઓ સામે કડક પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે.’
મુંબઈના કંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ આસપાસ રહેતા લોકોને થતી દુર્ગંધ, પ્રદૂષણ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અંગેની અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.
‘દરિયાકાંઠા પણ પ્લાસ્ટિકથી ભરાયેલા છે, આ સભ્ય સમાજ છે?
આ ઉપરાંત અદાલતે જાહેર જગ્યાઓ પર વધતા પ્લાસ્ટિકના કચરા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યો કે, ‘દરિયાકાંઠા પણ પ્લાસ્ટિકથી ભરાયેલા છે, તો શું આપણે કોઈ સભ્ય સમાજમાં રહીએ છીએ?’ રસ્તાઓ અને શેરીઓમાં ફેંકાયેલા આ કચરાના કારણે દરરોજ લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે. આ ટેવ બધાએ બદલવી જ જોઈએ. દેશ હિતનું ધ્યાન રાખવું જરૂરી છે.
