માતા-પિતા ચેતજો !! બે વર્ષથી બંધ પડેલી કારમાં બાળકનું મોત
માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે . ઘણીવાર આપણે કામમાં એટલા વ્યસ્ત થઇ જાય કે બાળકો શું કરી રહ્યા છે તેનો ખ્યાલ કલાકો સુધી આવતો નથી ત્યારે બનાસકાંઠામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બંધ પડેલ કારમાં બાળકનું મોત નીપજતા અરેરાટી મચી જવા પામી છે. 2 કલાકથી વધુ સમય બાળક બંધ ગાડીમાં રહેતા બાળકનું શ્વાસ રૂંધાતા મોત થયું હતું.આ ઘટનાને માતાપિતાની બેદરકારી જ કહી શકાય જેના કારણે માસુમે જીવ ગુમાવ્યો છે ત્યારે બાળકના મૃત્યુના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના બનાસકાંઠાના પાલનપુરની છે જ્યાં ગણેશપુરા વિસ્તારમાં બંધ પડેલ કારમાં બાળકનું મોત નીપજ્યું હતું. બાળકના ઘરથી થોડે દુર બે વર્ષથી બંધ પડેલી અવાવરું ગાડીમાં બાળક બેસી જતા ગાડીના દરવાજા અંદરથી લોક થયા બાદ ન ખુલતા બાળકનું મોત થયાનું સામે આવ્યું છે. બાળક કલાકો સુધી ન દેખાતા તેની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન બાળક અવાવરું ગાડીમાંથી મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટર્સે બાળકને મૃત જાહેર કર્યો હતો.
ત્યારે સવાલ એ થાય છે કે બે વર્ષથી બંધ પડેલી કારમાં પાંચ વર્ષનો બાળક કારમાં બેસી ગયો હતો. બે કલાકથી વધુ સમય સુધી બંધ કારમાં શ્વાસ રૂંધાતા બાળકનું મોત થયું હતું ત્યારે શું માતા-પિતાને બાળકનો ખ્યાલ જ ન આવ્યો ? બાળક કારમાં ગયા બાદ દરવાજો ન ખુલતા બાળકનો શ્વાસ રૂંધાયો હતો ત્યારે સ્થાનિકોની નજર પડતા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાળકના મોતના સમાચાર સાંભળીને પરિવારમાં મોતનો માતમ છવાયો છે.