E20 મુદ્દે બદનક્ષીભરી પોસ્ટ્સ સામે નીતિન ગડકરી પહોંચ્યા હાઇકોર્ટમાં
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ E20 ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમમાંથી પોતાને અને પરિવારને નાણાકીય લાભ થયો હોવાના આક્ષેપો કરતી ડીપફેક અને બદનક્ષીભર્યા સોશિયલ મીડિયા પોસ્ટ્સ સામે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. હાઈકોર્ટે ગડકરીને મેટા સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને આ સામગ્રી ફેલાવવામાં સંડોવાયેલા અજાણ્યા વ્યક્તિઓ સામે નાગરિક દાવો દાખલ કરવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો: મોટી ગણેશ મૂર્તિઓનું માત્ર પ્રતિકાત્મક વિસર્જન કરવા મુંબઈ હાઇકોર્ટનું સૂચન
ગડકરીએ અરજીમાં જણાવ્યું છે કે વિવાદિત પોસ્ટ્સમાં E20 ઇથેનોલ કાર્યક્રમ સાથે તેમના પરિવારને ગેરરીતે જોડવામાં આવ્યો છે, જ્યારે ઇથેનોલ બ્લેન્ડિંગ નીતિનું સંચાલન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય કરે છે. ગડકરી તરફથી દલીલ કરવામાં આવી હતી કે આ સામગ્રી મુંબઈમાં પણ ઉપલબ્ધ હોવાથી હાઈકોર્ટને મામલો સાંભળવાનો અધિકાર છે. સુનાવણી બાદ જસ્ટિસ અભય આહૂજાએ દાવો દાખલ કરવાની મંજૂરી આપી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ E20 કાર્યક્રમ અંગે ગડકરી વિશે ખોટી માહિતી ફેલાવવાના આરોપસર નાગપુરમાં ચાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સામે એફઆઈઆર પણ નોંધાઈ હતી. સરકારનું કહેવું છે કે E20 ઇંધણ ભારતના ઇથેનોલ બ્લેન્ડિંગ અને ઊર્જા પરિવર્તન કાર્યક્રમનો મહત્વપૂર્ણ ભાગ છે, જોકે તેના ઉપયોગને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદ યથાવત છે.
