મોટી ગણેશ મૂર્તિઓનું માત્ર પ્રતિકાત્મક વિસર્જન કરવા મુંબઈ હાઇકોર્ટનું સૂચન
મુંબઈમાં ગણેશોત્સવ સમયે મોટી મૂર્તિઓનું માત્ર પ્રતિકાત્મક વિસર્જન જ કરવા અંગે ગંભીરતાપૂર્વક વિચારવા મુકાઈ હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યા છે. જસ્ટિસ અજય ગડકરી અને જસ્ટિસ કમલ ખાતાની બેન્ચે જણાવ્યું કે, ભક્તોએ ભગવાનમાં શ્રદ્ધા રાખવાની સાથે ‘ધરતી માતા અને પ્રકૃતિ’નું પણ સન્માન કરવું જોઈએ.
કોર્ટે સરકારને 6 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) ની વિશાળ મૂર્તિઓનું કુદરતી જળાશયોમાં સીધું વિસર્જન કરવાને બદલે, માત્ર તેમના ચરણોને પવિત્ર જળનો પ્રતીકાત્મક સ્પર્શ કરાવવાનું અને આ વિધિ બાદ સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા આવી મોટી મૂર્તિઓનો કબ્જો લઈ, તેને સુરક્ષિત રીતે રિસાયકલિંગ સેન્ટર અથવા નિયુક્ત કલેક્શન કેન્દ્રો પર મોકલી આપવામાં આવે એવું સૂચન અદાલતે કર્યું છે.
આ પણ વાંચો: Space X ના 40 માળ ઊંચા વિશ્વના સૌથી મોટા રોકેટનું દરિયામાં સફળતાપૂર્વક લેન્ડિંગ
કોર્ટે મહારાષ્ટ્ર સરકારને મૂર્તિ ઉત્પાદકો અને મોટા ગણેશ મંડળો સાથે તાકીદે બેઠક યોજી, આ પ્રતીકાત્મક વિસર્જનની પદ્ધતિ અપનાવવા માટે તેમને સમજાવવા અને સહમતી સાધવા નિર્દેશ આપ્યો છે.
વર્તમાન નીતિ સામે પડકાર
અગાઉ ઓગસ્ટ 2025 ની સરકારી નીતિ અંતર્ગત 6 ફૂટ સુધીની નાની મૂર્તિઓ માટે કૃત્રિમ તળાવો ફરજિયાત કરાયા હતા, પરંતુ મોટી મૂર્તિઓને કુદરતી જળાશયોમાં વિસર્જનની છૂટ અપાઈ હતી, જેની સામે પર્યાવરણના નુકસાનને ટાંકીને કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
