બેન્ક કર્મચારીઓની હડતાળથી દેશ અને રાજ્યમાં હાહાકાર: 15,000 કરોડના વ્યવહારો ઠપ!
દેશભરમાં બેન્કિંગ ક્ષેત્રે કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારની નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કરતા લાખો બેન્ક કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેના કારણે સામાન્ય જનતા અને નાણાકીય વ્યવહારો પર મોટી અસર પડી છે.
બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી અને રાજ્યવ્યાપી હડતાળ
આજે (૧૧મી સપ્ટેમ્બર) ગુજરાત સહિત દેશભરમાં બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની હકોની લડાઈ માટે હડતાળ પર ઉતર્યા છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) ના નેજા હેઠળ દેશના આશરે ૭.૫ લાખથી વધુ અને ગુજરાતના અંદાજે ૭૫,૦૦૦ જેટલા કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા છે, જેના કારણે રાજ્યમાં આશરે ૧૫,૦00 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો સીધા પ્રભાવિત થયા છે.
અમદાવાદમાં ઉગ્ર નારેબાજી અને વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં બેન્કકર્મીઓ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ “મોદી તેરી તાનાશાહી નહીં ચાલે…” જેવા સૂત્રો પોકારીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. રાજ્યની ૫૪ જેટલી બેન્કોની શાખાઓના કર્મચારીઓ કામકાજથી અળગા રહેતા વહીવટી પ્રક્રિયાઓ અને ક્લિયરિંગ હાઉસનું કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું.
આ પણ વાંચો: ટ્રમ્પનો મોટો પ્રસ્તાવ: H-1B પર ટ્રમ્પનો ઝટકો, 60 દિવસનો સમય ખતમ!
મુખ્ય માંગણીઓ: 5 દિવસીય કામકાજ અને PLI
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સપ્તાહમાં ૫ દિવસનું કામકાજ અમલી બનાવવાનો સમાવેશ થાય છે. કર્મચારીઓ LIC અને અન્ય સરકારી વિભાગોની જેમ બેન્કોમાં પણ આ નિયમ લાગુ કરવા માટે દરરોજ ૪૦ મિનિટ વધુ કામ કરવા તૈયાર છે. આ ઉપરાંત, સમાન પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) ની ફાળવણી અને IDBI બેન્કનું ખાનગીકરણ અટકાવવું એ પણ આ આંદોલનના મુખ્ય મુદ્દા છે.
આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી
યુનિયનના પદાધિકારીઓના જણાવ્યા મુજબ, નાણા મંત્રાલય અને સેન્ટ્રલ લેબર કમિશનર સાથે બેઠકો યોજાવા છતાં હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. જો સરકાર વહેલી તકે સકારાત્મક નિર્ણય નહીં લે, તો આગામી ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય હડતાળ પાડવામાં આવશે અને ત્યારબાદ ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે.
બેન્ક કર્મચારીઓની આ હડતાળ આગામી દિવસોમાં સરકાર અને બેન્ક યુનિયનો વચ્ચેના સંબંધોમાં મોટો બદલાવ લાવવા માટે મજબૂર કરી શકે છે. જો સરકાર દ્વારા સમયસર વાટાઘાટો કરીને યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે, તો સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થવાની પૂરી શક્યતા છે.
