મુંબઇમાં ફરી ભારે વરસાદ; અનેક વિસ્તારો ડૂબી ગયા
હિમાચલ પ્રદેશ અને કર્ણાટકના કેટલાક શહેરોમાં પણ મુશળધાર વરસાદ;; આજે પણ અતિ ભારે વરસાદની આગાહી; 2 રાજ્યોમાં દુર્ઘટનામાં 4 ના મોત
દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું હવે પોતાનો મિજાજ બતાવીને લોકોને રાહત આપી રહ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મંગળવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો જે સતત ચાલુ જ રહ્યો હતો. બુધવારે પણ અતિ ભારે વરસાદને પગલે મુંબઈના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલે પાર્લે, સાંતાક્રુઝ અને બાંદ્રા સહિત પશ્ચિમી ઉપનગરોના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ રહ્યો હતો. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને કર્ણાટકના કેટલાક શહેરોમાં પણ ભારે વરસાદ સાથે દુર્ઘટના પણ ઘટી હતી જેમાં કૂલ 4 લોકોના મોત થયા હતા.
મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં મધ્યરાત્રિએ ભારે વરસાદ પડ્યો હતો અને પછી સવારે ફરી તીવ્ર બન્યો હતો. પશ્ચિમી ઉપનગરોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે.
અંધેરી સબવે ચારથી પાંચ ફૂટ પાણીમાં ડૂબી ગયો હતો. અંધેરી સબવે પર વાહનોની અવરજવર સ્થગિત કરવામાં આવી હતી. મધ્યરાત્રિથી થાણેમાં પડેલા ભારે વરસાદ જો કે બુધવારે બપોરે ઓછો થઈ ગયો હતો. અત્યાર સુધીમાં 137.12 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
મુંબઈમાં વરસાદને કારણે ત્રણેય લોકલ લાઈનો પ્રભાવિત થઈ હતી. મધ્ય રેલ્વે પર ટ્રેન સેવાઓ લગભગ 15 થી 20 મિનિટ મોડી ચાલી હતી. હાર્બર લાઇન પર ઉપનગરીય ટ્રેન સેવાઓ પણ 15 થી 20 મિનિટ મોડી ચાલી હતી. પશ્ચિમ રેલ્વે સેવાઓ 5 થી 10 મિનિટ મોડી હતી. . દરમિયાન, હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે “ઓરેન્જ એલર્ટ” જારી કર્યું છે. તેણે ચેતવણી પણ આપી છે કે 2 અને 3 જુલાઈના રોજ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ પડશે.
હિમાચલમા ભારે વરસાદ 45 રસ્તા બંધ; ભુપ્રપાતથી મહિલાનું મોત
હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કુલ 45 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. મંડી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં 28 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમગ્ર જિલ્લામાં 12 રસ્તાઓ બંધ છે. લાહૌલ-સ્પિતિમાં, ભારે વરસાદ સાથે આવેલા કાટમાળને કારણે ત્રણ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે જિલ્લાના બે રસ્તાઓ પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. વહીવટીતંત્ર શક્ય તેટલી ઝડપથી અસરગ્રસ્ત રસ્તાઓને પુનઃસ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહ્યું છે.
કર્ણાટકના અનેક શહેરોમાં પણ વરસાદ; દીવાલ પડતાં 3 ના મોત
કર્ણાટકના મેંગલુરુમા અને અન્ય શહેરોમાં ભારે વરસાદ પડ્યો હતો. મેનગલુરુમાં એક ખૂબ જ દુઃખદ અકસ્માત થયો હતો. અહીંના કંકનડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગારોડી વિસ્તારમાં નજીકના ભાડાના મકાનો પર એક મોટી દિવાલ પડી ગઈ. આ અકસ્માતમાં, કાટમાળ નીચે દબાઈને બે બાળકો અને એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. અન્ય શહેરોમાં પણ અનેક વૃક્ષો પડીજવાની ઘટના બની હતી.
