Paytmની કેટલીક સેવાઓ આજથી બંધ અને કેટલીક ચાલુ
પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાંથી રૂપિયા ઉપાડી શકશો. પરંતુ પેટીએમ બેન્કના ખાતામાં કોઈ રકમ જમા કે ટ્રાન્સફર નહીં કરી શકો
પેટીએમના ફાસ્ટેગ વાપરતા હોય તેમણે તાત્કાલિક નવા ફાસ્ટેગ લઈ લેવા પડે
પેટીએમ પેમેન્ટ બેંકના જુદા જુદા બિઝનેસ પર રિઝર્વ બેન્કે નિયંત્રણ મૂક્યા પછી આ સર્વિસ વાપરવાની ડેડલાઈન શુક્રવારે પૂરી થઇ રહી છે. શુક્રવારથી પેટીએમની કેટલીક સેવાઓ બંધ થઇ જશે અને કેટલીક સેવાઓ ચાલુ રહેશે. પેટીએમ પેમેન્ટ બેન્કમાં નવી ડિપોઝિટ નહીં સ્વીકારી શકાય અને ટોપ અપ પણ નહીં કરી શકાય.માર્કેટના સુત્રોને ૧૫ માર્ચની મુદ્દતમાં વધુ એક વખત વધારો થશે તેવી આશા પણ છે.
15મી માર્ચ પછી પણ તમે પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાંથી રૂપિયા ઉપાડી શકશો. તમે તમારા ખાતામાંથી ફંડને ટ્રાન્સફર કરી શકશો. એવી જ રીતે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તમારા ખાતામાં જે રકમ પડી હોય તેને ઉપાડ અથવા ટ્રાન્સફર કરી શકશો. 15 માર્ચ પછી પણ પેટીએમ પેમેન્ટ બેન્કમાં રિફંડ મેળવી શકશો. આ ઉપરાંત તમને કેશબેક અને પાર્ટનર બેન્કોમાંથી સ્વીપ-ઈન સુવિધા મળશે.
15 માર્ચ પછી માસિક ઈલેક્ટ્રિસિટી બિલનું ઓટો ડિડક્શન થઈ શકશે. એકાઉન્ટમાં બેલેન્સ હોય ત્યાં સુધી વિડ્રોઅલ અને ડેટ મેન્ડેટ કામ કરતા રહેશે. નવી કોઈ રકમ ઉમેરી નહીં શકાય.આ ઉપરાંત તમારું માસિક ઓટીટી સબસ્ક્રિપ્શન પણ ભરવાનું ચાલુ રહેશે. પરંતુ તમારા એકાઉન્ટમાં રૂપિયા હોય ત્યાં સુધી જ આ ડેબિટ થઈ શકશે. તે તેવી જ રીતે કોઈ પણ લોનના ઈએમઆઈ કપાવાનું પણ ચાલુ રહેશે. પેટીએમ બેન્કમાં બેલેન્સ હોય ત્યાં સુધી આ ઈએમઆઈ કપાવી શકાશે. ત્યાર પછી તમે તેમાં રૂપિયા ઉમેરી નહીં શકો. વોલેટમાં બેલેન્સ હોય ત્યાં સુધી રૂપિયાને અન્ય વોલેટ અથવા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી શકશો અથવા ઉપાડ કરી શકશો.
15 માર્ચ પછી પેટીએમ વોલેટને પેટીએમ બેન્કના ખાતાથી ટોપ-અપ નહીં કરાવી શકાય કે ટ્રાન્સફર પણ નહી કરાવી શકાય. કેશબેક કે રિફંડ સિવાય કોઈ ક્રેડિટ પણ નહીં મળે. પેટીએમ પેમેન્ટ બેન્ક એકાઉન્ટમાં કોઈ રકમ જમા નહીં કરાવી શકો, તેમાં વ્યાજ, કેશબેક, સ્વીપઈન સિવાય કોઈ ક્રેડિટ પણ જમા નહીં થાય. આ ઉપરાંત પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં પગાર પણ જમા નહીં થઈ શકે. કોઈ સબસિડી મળતી હોય તો તે પણ પેટીએમ પેમેન્ટ બેન્કના ખાતામાં નહીં મળી શકે.
આ ઉપરાંત ફાસ્ટેગના બેલેન્સને રિચાર્જ નહીં કરી શકાય. આ માટે બીજી બેન્ક અથવા સર્વિસ પ્રોવાઈડર પાસેથી ફાસ્ટેગ મેળવવું પડશે. તમારા જૂના ફાસ્ટેગનું બેલેન્સ નવા ફાસ્ટેગમાં ટ્રાન્સફર કરી શકાતું નથી. યુપીઆઈ અથવા IMPS દ્વારા પણ તમારા રૂપિયાને પેટીએમ પેમેન્ટ્સ બેન્ક ખાતામાં ટ્રાન્સફર નહીં કરી શકાય.