અમરનાથ યાત્રાના આવકારવા કાશ્મીરના મુસ્લિમોમાં ઉત્સાહ
સ્વાગતની તૈયારી,હોટેલોમાં યાત્રીઓ માટે 30 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત, આગેવાનોની બેઠક મળી
અમરનાથ યાત્રા શરૂ થવાના થોડા દિવસો પહેલાં કાશ્મીરના મુસ્લિમ ધાર્મિક આગેવાનો, સ્થાનિક ધારાસભ્યો અને વિવિધ નાગરિક સંગઠનોએ યાત્રાના સફળ આયોજન માટે સર્વાનુમતે સમર્થન જાહેર કર્યું છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ પ્રતિનિધિઓએ યાત્રાળુઓના ઉષ્માભર્યા સ્વાગત અને યાત્રાના સુચારુ સંચાલન માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ દરમિયાન હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ અમરનાથ યાત્રાળુઓને રૂમના ભાડામાં 30 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી. 3 જુલાઈથી શરૂ થનારી અને 28 ઑગસ્ટ સુધી ચાલનારી યાત્રા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો: મોદીની યશકલગીમાં વધુ એક પીંછુ સેશેલ્સના સર્વોચ્ચ એવોર્ડથી સન્માન
બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે અમરનાથ યાત્રા માત્ર ધાર્મિક આસ્થા નહીં, પરંતુ કાશ્મીરની સદીઓ જૂની સાંપ્રદાયિક સૌહાર્દ અને અતિથિ સત્કારની પરંપરાનું પણ પ્રતીક છે. તેમણે તમામ ધાર્મિક અને સામાજિક આગેવાનોને, દરેક યાત્રાળુને સુરક્ષા, સન્માન અને આત્મીયતાનો અનુભવ થાય તે માટે સંપૂર્ણ સહયોગ આપવા અને આ વર્ષની યાત્રાને સેવા અને સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બનાવવા અપીલ કરી હતી.
