મોદીની યશકલગીમાં વધુ એક પીંછુ સેશેલ્સના સર્વોચ્ચ એવોર્ડથી સન્માન
સેશેલ્સની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ ક્ષેત્રે નેતૃત્વ બદલ દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ સન્માન ‘ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઇઝન’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. એવોર્ડ સ્વીકારતાં મોદીએ આ સન્માનને જલવાયુ પરિવર્તન સામે સંઘર્ષ કરી રહેલા વિશ્વના તમામ દેશોને સમર્પિત કર્યું અને કહ્યું કે પર્યાવરણનું સંરક્ષણ આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી સામૂહિક જવાબદારી છે. તેમણે સેશેલ્સના રાષ્ટ્રપતિ અને ત્યાંની સરકાર તથા પ્રજાનો આ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો
મોદીએ જણાવ્યું કે ભારત ‘લાઇફ મિશન’, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ અને કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી વૈશ્વિક પહેલો દ્વારા હરિત અને ટકાઉ ભવિષ્ય માટે સતત કાર્ય કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા બાદ ડિજિટલ સહયોગને વધુ મજબૂત બનાવવા સેશેલ્સમાં ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવા અમલમાં મૂકવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આ પણ વાંચો: સમુદ્રથી આકાશ સુધી, ભારત ઝડપથી સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે
મોદીને મળેલા પર્યાવરણ અને ટકાઉ વિકાસ સંબંધિત સન્માનો
2026: સેશેલ્સનું સર્વોચ્ચ રાષ્ટ્રપતિ સન્માન ‘Guardian of the Blue Horizon’
2026: એફએઓનો Agricola Medal – ખાદ્ય સુરક્ષા, આધુનિક કૃષિ અને ટકાઉ ખેતી માટે
2018: UN Champions of the Earth Award – પર્યાવરણ અને જલવાયુ ક્ષેત્રે નેતૃત્વ બદલ
2018: Seoul Peace Prize – ટકાઉ આર્થિક વિકાસ અને વૈશ્વિક સહકાર માટે
સેશેલ્સમાં યુપીઆઇની એન્ટ્રી
ભારત અને સેશેલ્સે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) અમલમાં મૂકવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત પોતાના સફળ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અનુભવ સેશેલ્સ સાથે વહેંચશે. તેમણે ડિજિટલ ટેકનોલોજી બંને દેશો વચ્ચેનું અંતર ઘટાડવા અને વેપાર, પ્રવાસન તેમજ નાણાકીય વ્યવહારોને વધુ સરળ અને ઝડપી બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
