અમેરિકા – ઈરાન વચ્ચે નવેસરથી ભીષણ યુદ્ધના એંધાણ
ઈરાનના 10થી વધુ લશ્કરી ઠેકાણા પર હુમલા, ઈરાને ફરી યુદ્ધ શરૂ કરવા મજબૂર કર્યા હોવાનો ટ્રમ્પનો દાવો
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સમજૂતી ફરી એક વખત તૂટવાની કગાર પર પહોંચી ગઈ છે. હોર્મુઝની ખાડીમાં જહાજો પર હુમલાના આરોપોને પગલે અમેરિકાએ સતત બીજા દિવસે પણ ઈરાનના 10થી વધુ લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈરાને અમેરિકાને ખુલ્લી ધમકી આપતાં કહ્યું છે કે ખાડી ક્ષેત્રમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો આગામી દિવસોમાં “નરકનો અનુભવ” કરશે. બંને દેશોની આક્રમક ભાષા અને લશ્કરી કાર્યવાહીથી સમગ્ર મધ્યપૂર્વમાં ફરી યુદ્ધના વાદળો ઘેરાયા છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા મુજબ ઈરાને યુદ્ધવિરામનો ભંગ કરીને હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા પનામાના ધ્વજવાળા તેલ ટેન્કર ‘કિકુ’ પર ડ્રોન હુમલો કર્યો હતો. ત્યારબાદ અમેરિકાએ જવાબી કાર્યવાહીમાં ઈરાનના સર્વેલન્સ કેન્દ્રો, સંચાર વ્યવસ્થા, હવાઈ સંરક્ષણ મથકો, ડ્રોન સ્ટોરેજ, માઇન પાથરવાની ક્ષમતા ધરાવતા ઠેકાણા સહિત 10થી વધુ લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. તે પહેલાં શુક્રવારે પણ અમેરિકા ઈરાનના મિસાઇલ અને ડ્રોન ભંડાર તેમજ દરિયાકાંઠાના રડાર સ્ટેશનો પર હુમલો કરી ચૂક્યું હતું.
આ દરમિયાન ઈરાને કુવૈત અને બહેરિનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર પણ હુમલાનો દાવો કર્યો છે. ઈરાને કુવૈતના અલી અલ-સાલેમ એરબેઝ અને બહેરિનમાં આવેલી અમેરિકાની ફિફ્થ ફ્લીટના નૌકાદળ મથક સહિત આઠ મહત્વના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. જોકે કુવૈતે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ મિસાઇલ અને ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક અટકાવ્યા છે. કુવૈત અને બહેરિન સહિતના ખાડી દેશોમાં સાયરન વાગી ઉઠ્યા હતા અને લોકોને સુરક્ષિત સ્થળોએ જવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો: અમરનાથ યાત્રાના આવકારવા કાશ્મીરના મુસ્લિમોમાં ઉત્સાહ
ટ્રમ્પની ચેતવણી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કડક ચેતવણી આપતાં કહ્યું કે ઈરાને ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જો અમેરિકા યુદ્ધ ફરી શરૂ કરવા મજબૂર બનશે તો ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનું અસ્તિત્વ જ નહીં રહે. “અમે શરૂ કરેલું કામ પૂર્ણ કરવા માટે મજબૂર બન્યા તો ઈરાન પૃથ્વીના પટ પરથી ભૂંસી નાખવામાં આવશે,” એમ તેમણે જણાવ્યું હતું.
ઇરાનની વળતી ધમકી
બીજી તરફ ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની નૌકાદળે અમેરિકાને ચેતવણી આપી કે હોર્મુઝની ખાડી પર ઈરાનનું નિયંત્રણ યથાવત છે અને અમેરિકાના હુમલાથી તેમાં કોઈ ફેર પડવાનો નથી. અમેરિકી સૈન્ય મથકોને આગામી દિવસોમાં ભારે કિંમત ચૂકવવી પડશે અને તેઓ “નરકનો અનુભવ” કરશે, એવી ધમકી પણ ઈરાને આપી છે.
મધ્યપૂર્વમાં ફરી ઉકળતા ચરુ જેવી સ્થિતિ
અમેરિકા સતત બીજા દિવસે પણ ઈરાનના 10થી વધુ લશ્કરી ઠેકાણાઓ પર ત્રાટક્યું.
હોર્મુઝની ખાડીમાં તેલ ટેન્કર પર હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ.
ઈરાન દ્વારા કુવૈત અને બહેરિનમાં આવેલા અમેરિકી મથકો પર હુમલા
કુવૈતના હવાઈ સંરક્ષણ દળે મિસાઇલ અને ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યાનો દાવો.
હોર્મુઝની ખાડીમાંથી વેપારી જહાજોની અવરજવર ચાલુ, પરંતુ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર.
મધ્યપૂર્વમાં ફરી વ્યાપક યુદ્ધ ફાટી નીકળવાની આશંકાથી વૈશ્વિક બજારો અને તેલ વેપારમાં ચિંતા વધી.
