ઉત્તરાખંડમાં ખડગેની સભા પછી હિન્દુ સંગઠન દ્વારા કરાયો શુદ્ધિકરણ હવન
ઉત્તરાખંડના હલદ્વાની ખાતે રામલીલા મેદાનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને દલિત નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક સભા સંબોધ્યા બાદ ‘શ્રી રામ સેના’ નામના હિન્દુ સંગઠને શુદ્ધિકરણ યજ્ઞ કરતા ભારે વિવાદ ઊભો થયો છે. ખડગેએ રાજ્યસભામાં આ ઘટનાની આકરી ટીકા કરી અને ભારતમાં દલિતોનું કોઈ સ્થાન નથી તેવી ટિપ્પણી કરી હતી. ભાજપે જો કે આ સંગઠન સાથે પોતાને કોઈ લેવાદેવા ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ઉત્તરાખંડ ભાજપના નેતાઓએ ખડગેની સભા દરમિયાન થયેલા કેટલાક સૂત્રોચારોને કારણે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો વળતો આક્ષેપ કર્યો હતો.
ખડગેએ કહ્યું કે તેઓ લાંબા સમયથી કહી રહ્યા છે કે દેશમાં દલિતો માટે યોગ્ય સ્થાન નથી અને ધર્મના નામે લોકોને વહેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જાહેર સભા યોજાયા બાદ શુદ્ધિકરણ હવન કરવાની જરૂર શું હતી? તેમના જણાવ્યા મુજબ હલદ્વાનીનું રામલીલા મેદાન તમામ રાજકીય પક્ષોની જાહેર સભાઓ માટે ઉપયોગમાં લેવાતું સ્થળ છે. ત્યાં કરવામાં આવેલ હવન હિન્દુ ધર્મની ભાવનાના પણ વિરુદ્ધ છે અને સમાજમાં જાતિ આધારિત વિભાજન તથા ટકરાવ ઊભો કરવાનો પ્રયાસ છે.વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે પ્રશ્ન કર્યો કે શું આ રીતે બંધારણની ભાવનાનું રક્ષણ થઈ શકે?
આ પણ વાંચો: અકાલી દળના વડા સુખબીર સિંઘ બાદલ પર નીહાંગ શીખ દ્વારા કિરપાણથી હુમલો
ખડગેના આક્ષેપોના જવાબમાં રાજ્યસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે આ ઘટનામાં ભાજપના કોઈ કાર્યકરો કે નેતાઓ સામેલ નથી અને સમગ્ર મામલે તપાસ કરાવવાની ખાતરી પણ આપી હતી.
‘શ્રી રામ સેના ‘ ભાજપ સાથે સંકળાયેલું સંગઠન: કોંગ્રેસ
આ દરમિયાન ઉત્તરાખંડ કોંગ્રેસ પ્રમુખ ગણેશ ગોદિયાલે આરોપ લગાવ્યો કે ‘શ્રી રામ સેના’ ભાજપ સાથે સંકળાયેલું સંગઠન છે. તેમણે દાવો કર્યો કે ખડગે દલિત સમાજમાંથી આવતા હોવાથી આ પ્રકારનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. ગોદિયાલે નૈનીતાલ પોલીસ પર પણ પ્રશ્નો ઉઠાવતાં કહ્યું કે આવા કૃત્ય સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ માનવતા, સમાનતા અને ભાઈચારામાં વિશ્વાસ રાખે છે, જ્યારે આવી ઘટનાઓ સમાજમાં નફરત અને વિભાજન ફેલાવે છે.
સનાતનના અનુયાયીઓની લાગણી દુભાઈ: ભાજપ
ભાજપે કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. રાજ્યના કેબિનેટ મંત્રી અને ભાજપના પ્રવક્તા ખાજન દાસે કહ્યું કે ખડગેની સભા દરમિયાન કેટલાક એવા સૂત્રોચારો થયા હતા જેના કારણે સનાતન ધર્મના અનુયાયીઓની લાગણીઓ દુભાઈ હતી. તેમણે જણાવ્યું કે રામલીલા મેદાન ધાર્મિક મહત્ત્વ ધરાવતું સ્થળ છે અને ત્યાં અન્ય ધર્મ સંબંધિત સૂત્રોચારો થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. સાથે જ તેમણે કોંગ્રેસ પર દલિત મુદ્દાને રાજકીય રંગ આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.
રાજ્યસભામાં ભારે ધમાલ મોદીની માફીની માંગણી
આ ઘટનાને પગલે રાજ્ય સભામાં ભારે આતાલ ધમાલ મચી હતી. વિપક્ષોએ તાત્કાલિક પગલાની માગણી કરી હતી. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ આ માનસિકતા સ્પષ્ટ રીતે બીજેપી અને આરએસએસની વિચારધારા દર્શાવતી હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફી ની માગણી કરી હતી. આરજેડી ના પ્રવક્તા પ્રિયંકા ભારતીએ બીજેપીને આવા જાતિવાદી કટ્ટરપંથીઓ”ને પોષવા માટે દોષી ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે મનુના આ બર્બર વંશજો એ હકીકત સહન જ નથી કરી શકતા કે એક દલિત દેશના અગ્રણી નેતાઓમાંથી એક છે.
