ભાજપના પ્રમુખ નીતિન નવીન, રાઘવ ચઢ્ઢા સહિતના ટોચના નેતાઓને દિલ્હીનું તાકીદનું તેડું
અનેક અટકળો; પંજાબના ઓપરેશનની પણ ગોઠવણ
કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની ચર્ચા ફરી શરૂ થઈ છે. જો કે તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી પણ આ દિશામાં હલચલ ઝડપી બની ગઈ છે . પંજાબની યાત્રાએ ગયેલા ભાજપના પ્રમુખ નીતિન નવીન અચાનક દિલ્હી દોડી ગયા હતા અને એમની સાથે આપમાંથી ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢા પણ સાથે હતા. એવી અટકળો થઈ રહી છે કે ચઢ્ઢાને કેબિનેટમાં લઈ શકે છે અથવા પંજાબમાં કોઈ મોટી જવાબદારી પણ સોંપાઈ શકે છે. આ બારામાં અનેક અટકળો થઈ રહી છે.
મંગળવારે દિલ્હી એરપોર્ટ પર ઘણી રાજકીય ગતિવિધિઓ જોવા મળી હતી જ્યારે નીતિન નવીન, રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુ એકસાથે પહોંચ્યા હતા. તે જ સમયે, આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની હાજરીએ અટકળોના બજારને વધુ ગરમાવો આપ્યો છે.
આ પણ વાંચો: ૧ કરોડના ખર્ચે ડ્રોનથી મચ્છરોનું `એન્કાઉન્ટર’ કરશે મહાપાલિકા !
રાજકીય ગલિયારાઓમાં ચર્ચા તેજ છે કે દિલ્હીથી પંજાબ સુધી, આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ઘેરવા માટે એક ખૂબ જ મોટા ‘ઓપરેશન’ની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. આમ અનેક બાબતો અંગે ચર્ચા અને અનુમાનોની બજાર અચાનક ગરમ બની ગઈ છે.
નીતિન નવીને તાજેતરમાં પંજાબનો ત્રણ દિવસનો સઘન સંગઠનાત્મક પ્રવાસ પૂર્ણ કર્યો. આ પ્રવાસ માત્ર ઔપચારિક પ્રવાસ નહોતો, પરંતુ તેની પાછળ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે જમીન તૈયાર કરવાનો એક મોટો રોડમેપ છે. નીતિન નવીને અમૃતસરમાં શ્રી હરિમંદિર સાહિબ સુવર્ણ મંદિર, દુર્ગિયાણા મંદિર અને વાલ્મીકી તીર્થમાં માથું નમાવ્યું અને સ્પષ્ટ કર્યું કે ભાજપ પંજાબની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે પોતાને ઊંડે સુધી જોડી રહ્યું છે. એમ પણ કહેવાય છે કે ચાલુ માસમાં જ નવીનની નવી ટીમની રચના પણ થઈ શકે છે.
