છેલબટાઉ યુવાનોમાં કેડે ફટાકડી લટકાવવાનો ગજબનો ક્રેઝ: મહિનામાં 70 હથિયાર પકડાયા
દરેક વખતે હથિયારોનું પગેરૂ મધ્યપ્રદેશ જઇને અટકી જાય છે
આજ સુધી શસ્ત્રના સોદાગરોનું નેટવર્ક ભેદવામાં પોલીસતંત્ર નિષ્ફળ
૭૦૦૦થી ૧૫ હજારમાં એમ.પી.માં મળતા હથિયારો રાજકોટમાં બમણી કિંમતે વેચાય છે
રંગીલા રાજકોટના છેલબટાઉ યુવાનોને ભલે સરહદ પર યુધ્ધ લડવા નથી જવું પરંતુ માભો પાડવા કમ્મરે ફટાકડી લટકાવી છે. હથિયારના ગજબના શોખના કારણે જ હવે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં ગન કલ્ચર વધતું જાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા એક જ મહિનામાં ૭૦થી વધુ હથિયારો સાથે ૫૦ શખસોની ધરપકડ થઈ છે. બંદૂકડી રાખવાનો અભરખો માત્ર યુવાનોને જ નથી, મહિલા પણ ગેરકાયદેસર હથિયાર સાથે પકડાઈ ગઈ છે.
વર્ષોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મોટાપાયે ગેરકાયદેસર હથિયારો સપ્લાય થાય છે જેનું નેટવર્ક ભેદવામાં પોલીસતંત્ર હંમેશા નિષ્ફળ રહ્યું છે. ડુંગળી-બટેટાની માફક ગેરકાયદેસર તમંચા, પિસ્તોલ અને રિવોલ્વર, બંદૂક, જામગરી પકડાય છે પરંતુ તેને બનાવનાર આજદિન સુધી પકડાયા નથી.
રાજકોટમાં એક માસ પહેલાં પીસીબીની ટીમને જબરદસ્ત સફળતા મળી છે જેમાં ૨૦ આરોપીઓની ધરપકડ કરી ૩૮ જેટલા હથિયારો કબજે કર્યા છે. આ તમામ હથિયાર મધ્યપ્રદેશથી રાજકોટમાં ઠલવાયા હતા.
મધ્યપ્રદેશમાં ૭૦૦૦માં મળતો તમંચો રાજકોટમાં ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦માં વેચતા હતા. જ્યારે મધ્યપ્રદેશમાં ૧૫,૦૦૦માં મળતી પિસ્ટલ રાજકોટમાં ૨૫,૦૦૦થી લઈને સારી પિસ્તોલ એક લાખ સુધીમાં વેચાણ થતું હતું. જ્યારે રિવોલ્વર પણ ૨૫,૦૦૦થી લઈને એક લાખ સુધીમાં વેચાણ કરવામાં આવતી હતી.
આ પણ વાંચો : સિદ્ધાર્થ અને જીમી શેરગિલની નવી સિરીઝ Netflix પર રીલીઝ
વર્ષોથી મધ્યપ્રદેશથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર વેપનનો વેપલો ચાલ્યો આવે છે પરંતુ આજદિન સુધી મધ્યપ્રદેશમાંથી ગેરકાયદેસર હથિયાર બનાવતી એક પણ ફેક્ટરી કે કારખાનું પકડવામાં પોલીસને સફળતા મળી નથી તેના પરથી એવું કહી શકાય કે હથિયાર બનવતા શખસો પોલીસતંત્રથી ચાર ડગલા આગળનું વિચારી રહ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશમાં હથિયાર બનાવતી ફેક્ટરી કે કારખાનું ધરાવતા શખસો વચેટિયાને હથિયારો સપ્લાય કરે છે અને વચેટિયાઓ હથિયારનો શોખ ધરાવતા યુવાનો સુધી હથિયારો પહોંચાડતા હોય છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં ૭૦થી વધુ હથિયાર સાથે ૫૦ જેટલા શખસોને પોલીસે પાંજરે પૂર્યા છે જેમાં ૯-૭-૨૬ના ટંકારા પંથકમાંથી સિક્યુરિટી ગાર્ડ રાજીવસિંહ બે પિસ્તોલ, ૧૧ કાર્ટિસ સાથે પકડાયો હતો જે હથિયાર વતનમાંથી વેચવા માટે લઈ આવ્યો હતો ત્યારબાદ ૧૦-૭ ના રાજકોટમાંથી શસ્ત્રોના સોદાગર પકડાયા બાદ એક પછી એક ૩૮ હથિયાર મળી આવ્યા હતા અને ૨૦ શખસોની ધરપકડ થઈ છે. ૧૧-૭ના શાપર-વેરાવળમાંથી પ્રકાશ ઉર્ફે પકો પિસ્તોલ સાથે પકડાયો હતો. ૧૩-૭ના ભાવનગર પાસેથી રાહુલ ઉફર્ષ રહીશ દેશી પિસ્તોલ સાથે મળી આવ્યો હતો. ૧૪-૭ના સુરેન્દ્રનગરમાંથી યુવાન પિસ્તોલ સાથે પકડાયો, ૧૮-૭ના રાજકોટના ગુરૂજીનગરમાંથી રૂક્સાના નામની મહિલા બુટલેગર દેશી બનાવટની પિસ્તોલ, કાર્ટિસ સાથે મળી આવી હતી.
તા.૧૮-૭ના ચોટીલામાંથી ફોરચ્યુનર કાર સાથે દેશી બનાવટની બે પિસ્તોલ સાથે નૃપેન્દ્ર પટગીર અને જયસુખ કોળી મળી આવ્યા હતા. તા.૨૨-૭એ સુરેન્દ્રનગર એલસીબીએ ૧૪ હથિયાર, ૨૮ કાર્ટિસ સાથે જિલ્લામાંથી ૧૦ શખસોની ધરપકડ કરી હતી. જ્યારે ધ્રાંગધ્રામાંથી દેશી બનાવટની બંદૂક સાથે કાદર સિપાહીની ધરપકડ થઈ છે.
પીસીબીએ હથિયારના સોદાગરને પકડાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ એક્ટિવ થઈ હતી જેમાં તા.૨૩-૭ રસુલપરામાંથી રહીમ જામનગરી, વસીમ કુરેશીને પકડી ૨ પિસ્તોલ, ૮ કાર્ટિસ કબજે કર્યા હતા. જ્યારે ૨૫-૭ના ઘાંચીવાડમાંથી ગુજસીટોકના આરોપી અરબાજને પિસ્તોલ સાથે અને ૨૬-૭ના કુવાડવા નજીકથી વિજય બાવળિયા, રિપલ ઉર્ફે વિપુલને ૪ હથિયાર સાથે પકડી પાડ્યા હતા.
એક મહિનામાં ૭૦થી વધુ હથિયાર પકડાયા છે પણ તેનું નેટવર્ક ભેદવામાં હજુ સુધી પોલીસને સફળતા મળી નથી. આ પહેલીવાર નથી દરેક વખતે હથિયાર પકડાય છે અને તપાસનું પગેરૂ મધ્યપ્રદેશ જઈને અટકી જાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવાનો શોખ ખાતર અને અંગત અદાવત ખાતર હથિયારો રાખતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે અમુક એજન્ટોએ આજની યુવા પેઢીમાં હથિયાર રાખવાની ઘેલછાને ધ્યાને રાખીને હથિયાર સપ્લાય કરવાનો ધંધો શરૂ કરી દીધો છે જેના કારણે રાજકોટમાં ગન કલ્ચર વધતું જાય છે.
રાજકોટમાં હથિયારના ત્રણ ક્વોલિટી કેસમાં આર.કે. જાડેજાનો સિંહફાળો
રાજકોટમાં છેલ્લા એક દાયકામાં શસ્ત્રના સોદાગરો અને હથિયાર બનાવવાનું કારખાનું પકડાયું છે. જોગાનુજોગ ત્રણેય ક્વોલિટી કેસમાં સિંહફાળો આર.કે. જાડેજાનો છે. ૨૦૧૩-૧૪માં ભીલ ગેંગને પકડી ૨૦૧૮માં હથિયાર બનાવવાનું કારખાનું પકડાયું અને ૨૦૨૬માં ફરી વેપન કાર્ટેલ પકડી પાડ્યું હતું.
હથિયારની ઘેલછા જોઇને રાજકોટમાં પણ કારખાનું શરૂ થયું’તું પણ…
રાજકોટના યુવાનોને ફટાકડી રાખવાના ગજબના શોખને ધ્યાને લઈને રાજકોટવાસી હિરેન સરધારાએ પોતાના મળતિયાઓની મદદથી મધ્યપ્રદેશ જઈ હથિયાર લાવવાને બદલે રાજકોટના જ ગોંડલ રોડ શક્તિ ઈન્ડસ્ટ્રીઝમાં તમંચા, રિવોલ્વર બનાવવાનું કારખાનું શરૂ કરી દીધું હતું જેની પોલીસને બાતમી મળતા શક્તિ ઈન્ડસ્ટ્રીઝમાંથી હથિયાર બનાવવાનું કારખાનું પકડી પાડી ૧૭ દેશી તમંચા તેમજ હથિયાર બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ પકડી પાડી ચાર શખસોની ધરપકડ કરી હતી.
૨૦૧૩-૧૪માં પણ હથિયારના સોદાગર ભીલ ગેંગ પકડાઇ’તી
રાજકોટમાં હથિયારના સોદાગર પકડાયા હોય તેવો આ પહેલો કિસ્સો નથી. ૨૦૧૩-૧૪માં પણ એસઓજીએ રાજેશ રાજાવતની ભીલ ગેંગને પકડીને ૧૫ હથિયાર સાથે અડધો ડઝનથી વધુ શખસોની ધરપકડ કરવામાં આવી હતી. ભીલ ગેંગની તપાસમાં મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં હથિયાર બનાવવાનું કારખાનું ગૃહ ઉદ્યોગની જેમ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું પરંતુ આજદિન સુધી હથિયાર બનાવવાનું કારખાનું પકડાયું નથી.
રાજકોટમાં ૩૨૦૦થી વધુ આસામીઓ પાસે હથિયાર પરવાનો
રાજકોટમાં કમરે ફટાકડી લટકાવવાના ગજબના શોખને કારણે યુવાનો હથિયાર રાખવા માટષના પરવાનો લેવા ગમે તેટલા નાણાં ખર્ચી નાખતા અચકાતા નથી જેમાં અત્યાર સુધીમાં ૩૨૦૦થી વધુ આસામીઓ પાસે હથિયાર પરવાના હોવાનું સામે આવ્યું છે. જો કે તાજેતરમાં પોલીસ કમિશનરે ૨૦૦થી વધુ પરવાનેદારોના લાયસન્સ રદ કરી નાખ્યા હતા જેના કારણે ભારે હોબાળો મચી ગયો છે.
