૧ કરોડના ખર્ચે ડ્રોનથી મચ્છરોનું `એન્કાઉન્ટર’ કરશે મહાપાલિકા !
૧૬૨ ચો.કિ.મી. વિસ્તારને એઆઈ પ્લેટફોર્મ ઉપર મેપિંગ કરાશે
૫૦૦ કલાક સુધી કરાશે દવાનો છંટકાવ: દરખાસ્ત પર આજે સ્ટે.કમિટી લેશે નિર્ણય
રાજકોટમાં શિયાળો હોય, ઉનાળો હોય કે પછી ચોમાસું હોય મચ્છરોનો ત્રાસ ક્યારેય ઘટવાનું નામ લેતો નથી. આરોગ્ય શાખા પાસે મચ્છર ઉત્પતિ કેન્દ્રો શોધીને જે-તે મિલકતધારકને નોટિસ અને દંડ સિવાય બીજી કોઈ કાર્યવાહી કરવાની સત્તા ન હોય સ્થિતિમાં ક્યારેય સુધારો આવી રહ્યો ન હોય આખરે મચ્છરોનું `એન્કાઉન્ટર’ કરવા ટેક્નોલોજીનો સહારો લેવાનું નક્કી કરાયું છે. તંત્ર હવે એજન્સીને એક કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપશે અને ત્યારપછી ડ્રોન મારફતે મચ્છરોને મારવાનું શરૂ કરવામાં આવશે ! આ અંગેની દરખાસ્ત કરવામાં આવી છે જેના પર આજે બુધવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્તમાં જણાવાયા પ્રમાણે મહાપાલિકા દ્વારા પ્રાયોગિક ધોરણે આજી નદી સિવસ્તારમાં અંદાજે ૧૦૦ કલાક માટે ડ્રોન મારફતે દવા છંટકાવની કામગીરી કરવામાં આવી હોય તેના થકી મચ્છરોનો ઉપદ્રવ ઘટી ગયો હતો. ઉદાહરણ તરીકે મોરબી રોડ પુલ વિસ્તારમાં મચ્છરની ડેન્સીટી (ઉપદ્રવ) ૧૯થી ઘટીને એક સુધી આવી ગયો હતો. આ કામગીરી અસરકારક સાબિત થઈ હોય હવે રાજકોટના ૧૬૨ ચોરસ કિલોમીટર વિસ્તારને આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) પ્લેટફોર્મ ઉપર મેપિંગ કરી મચ્છરોનો ઉપદ્રવ શોધવામાં આવશે. ઉપદ્રવ શોધવા માટે ૧૬૨ ડ્રોન ઉડાડવામાં આવશે. મચ્છરોના ઉપદ્રવના સ્થળ શોધાઈ ગયા બાદ ૫૦૦ ડ્રોન ઉડાડી તેના થકી દવા છંટકાવ કરવામાં આવશે.
આ પણ વાંચો: મકાન-દુકાનોની ઐતિહાસિક તોડફોડ' વખતે કરાયેલીપેટપૂજા’ના ખર્ચની દરખાસ્ત પર આજે નિર્ણય
આ માટે કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ એજન્સીએ ભાગ લીધો હતો જેમાં પ્રાઈમ યુ.એ.વી. પ્રા.લિ. દ્વારા સૌથી ઓછા ભાવ ભરવામાં આવ્યા હોય તેને કામ આપવાનું સુચવાયું છે. પ્રાઈમ એજન્સી દ્વારા ઉપદ્રવના સ્થળ શોધવા માટે ૬૫.૨૮ લાખ અને દવા છંટકાવ માટે ૨૦.૧૫ લાખના ખર્ચે કામ કરવાની તૈયારી દર્શાવી છે.
આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: ૯ દરખાસ્ત પર લેવાશે નિર્ણય
મહાપાલિકામાં આજે બુધવારે ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં અલગ-અલગ નવ દરખાસ્ત ઉપર નિર્ણય લેવામાં આવશે. દરખાસ્તોમાં અર્બન ગ્રિનિંગ પોલિસી તૈયાર કરવા, ૫૧ એમએલડી રૈયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટ્રિટેડ વોટર પમ્પીંગ સ્ટેશનનું સંચાલન સોંપવા, દબાણ હટાવ વિભાગ હસ્તકના ગોડાઉનમાં પડેલા ભંગારને વેચવા સહિતની દરખાસ્ત ઉપર નિર્ણય લેવામાં આવશે.
