RTI નિયમોમાં ફેરફાર નહીં હટાવાય તો આમરણાંત ઉપવાસની જાહેરાત
ફી વધારો, ઓળખપત્ર ફરજિયાત, ‘એક વિષય-એક અરજી’ સહિતના નિયમો હટાવવા માંગણી
સામાજિક કાર્યકર અન્ના હજારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા RTI (માહિતીનો અધિકાર) નિયમોમાં કરાયેલા સુધારાઓ સામે આક્રમક બન્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં તેમણે ચેતવણી આપી છે કે 12 જૂને અમલમાં લાવવામાં આવેલા RTI નિયમો-2026 તાત્કાલિક પાછા ખેંચવામાં નહીં આવે તો તેઓ 5 જુલાઈથી રાલેગણ સિદ્ધિના યાદવ બાબા મંદિરે આમરણાંત ઉપવાસ શરૂ કરશે.
હજારેએ જણાવ્યું કે નવા નિયમો RTI કાયદાની ધારને બુઠ્ઠી બનાવશે અને સામાન્ય નાગરિકોને માહિતી મેળવવાથી દૂર રાખશે. તેમણે RTI અરજીની ફીમાં કરાયેલા વધારાનો વિરોધ કરતાં કહ્યું કે તેના માટે કોઈ તર્કસંગત કારણ કે નાણાકીય વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું નથી. ઓળખપત્ર ફરજિયાત બનાવવાની જોગવાઈ, ‘એક વિષય-એક અરજી’નો નિયમ, વારંવારની અરજીઓ બંધ કરવાની જોગવાઈ, માહિતી માગવાનું કારણ પૂછવાની પ્રક્રિયા તેમજ અરજદાર ગેરહાજર રહે તો અપીલ ફગાવી દેવાની વ્યવસ્થા RTI કાયદાની ભાવનાના વિરુદ્ધ હોવાનું તેમણે જણાવ્યું.
આ પણ વાંચો: વિદેશી ફંડ મેળવતી NGO માટે નવા કડક નિયમો: સરકારે ગાળિયો કસ્યો
જીવનનાં અંતિમ શ્વાસ સુધી લાગવાનો નિર્ધાર
અન્ના હજારેએ આક્ષેપ કર્યો કે નવા નિયમો સરકારી તંત્રની ખામીઓ દૂર કરવા બદલે નાગરિકો પર વધુ બોજ મૂકે છે અને પારદર્શિતાને નબળી પાડે છે. જાહેર ચર્ચા કે પરામર્શ વિના આ સુધારા લાવવામાં આવ્યા હોવાનું જણાવી તેમણે સરકારને નિયમો પાછા ખેંચી સ્વયંપ્રેરિત માહિતી જાહેર કરવાની વ્યવસ્થા મજબૂત બનાવવા અપીલ કરી છે. “જરૂર પડશે તો જીવનના અંતિમ શ્વાસ સુધી લડત ચાલુ રાખીશ,” એવી પણ તેમણે ચેતવણી આપી છે.
