લોસ એન્જલસ દાવાનળ: 24 ના મોત : પવને વધાર્યો વિનાશ
એક ડઝનથી વધુ લોકો ગુમ : વધુ 70,પાણીના ટેન્કર પહોંચ્યા; વધુ ઇમારતો રાખ થઈ રહી છે; ઓસ્ટ્રેલિયન ચાઇલ્ડ એક્ટરનું મોત
લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગથી અત્યાર સુધી 24 લોકોના મોત થઈ ચૂક્યા છે અને એક ડઝનથી વધુ લોકો ગુમ છે. . કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે કહ્યું કે ‘આ અમેરિકાના ઈતિહાસની સૌથી વિનાશકારી કુદરતી વિપત્તિ થઈ શકે છે, જેણે હજારો ઘરોને પણ તબાહ કરી દીધા છે.’ ભયાનક ગતિ સાથેના પવને આગને વધુ વકરાવી દીધી છે. 6 દિવસથી આગ ભભૂકી રહી છે.
લોસ એન્જલસના બે ભાગો ર્ઈટન અને પેલિસેડ્સમાં છેલ્લા 6 દિવસથી આગ વ્યાપી રહી છે. પેલિસેડ્સ ફાયર ઝોનમાં અત્યાર સુધી 8 લોકોના મોત નીપજ્યા હતા ર્ઈટન ફાયર ઝોને 16 લોકોના જીવ લઈ લીધા છે.

લોસ એન્જલસ અમેરિકાનું બીજું સૌથી મોટું શહેર છે. 1990ના દાયકામાં આગામી બ્રિટિશ ટીવી શો કિડી કેપર્સના ઓસ્ટ્રેલિયન ચાઈલ્ડ એક્ટર રોરી સાઈક્સનું પણ મોત નીપજ્યું છે. આ પૂર્વ એક્ટર અત્યારે લગભગ 32 વર્ષનો હતો.
પેલિસેડ્સની આગ લગભગ 23,600 એકરની જમીન પર ફેલાઈ ચૂકી છે. જોકે તેના 11 ટકા ભાગ પર કાબૂ મેળવી લેવાયો છે. ર્ઈટનની આગ 14,000 એકર સુધી ફેલાયેલી છે. તેના પણ લગભગ 15 ટકા ભાગ પર કાબૂ મેળવી લેવાયો છે. કેલિફોર્નિયાના સેન ફરનેન્ડો વેલીમાં ફાયર ટોરનેડો પણ દેખાયો, જેનાથી આગ ભડકી ગઈ.
આગની ઘટનાથી લગભગ 12 હજારથી વધુ ઈમારતો નુકસાનગ્રસ્ત થઈ ગઈ છે. આ કારણે અત્યાર સુધી લગભગ 1 લાખ લોકોએ પોતાનું ઘર છોડવા માટે મજબૂર થવું પડ્યું છે. અત્યાર સુધી 135 બિલિયન ડોલરથી 150 બિલિયન ડોલરના આર્થિક નુકસાનનું અનુમાન છે.