મારી શક્તિની કોઈ મર્યાદા નથી, વૈશ્વિક મંદી ટાળવા માટે યુદ્ધ રોક્યું: ટ્રમ્પનો દાવો
કહ્યું,”ઇરાનને લશ્કરી પરાજય આપ્યા પછી જ કરાર કર્યા”
અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા સમજૂતી કરાર અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત આક્રમક નિવેદન આપતાં કહ્યું કે ઇરાન સાથે થયેલો કરાર ઇરાનની લશ્કરી હારનું પરિણામ છે અને તે લગભગ ‘બિનશરતી શરણાગતિ’ સમાન છે. ટ્રમ્પે કહ્યું કે ત્રણ મહિના સુધી ચાલેલા સંઘર્ષ દરમિયાન અમેરિકાએ એવું નૌકાબંધી અભિયાન ચલાવ્યો હતો કે એક પણ જહાજ હોર્મુઝ જળમાર્ગ પાર કરી શક્યું નહોતું.
ટ્રમ્પે જણાવ્યું કે ઇરાન સામે વધુ બે-ત્રણ અઠવાડિયા સુધી બોમ્બમારો ચાલુ રાખી શકાય તેમ હતું, પરંતુ તેનાથી હોર્મુઝ જળમાર્ગ લાંબા સમય માટે બંધ થઈ જાય અને વૈશ્વિક અર્થતંત્ર ગંભીર મંદીમાં ધકેલાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હોતું. આ સંજોગોમાં તેલ પુરવઠો ફરી શરૂ થાય અને વિશ્વવ્યાપી આર્થિક સંકટ ટળે તે હેતુથી સમજૂતીનો માર્ગ પસંદ કરવામાં આવ્યો હતો.
ટ્રમ્પે પોતાની શક્તિ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે તેમને હજુ સુધી પોતાની સત્તાની કોઈ મર્યાદા અનુભવાઈ નથી. તેમણે દાવો કર્યો કે ઇરાનની સૈન્ય ક્ષમતા અમેરિકાના દબાણ સામે ટકી શકી નહોતી અને હાલનો કરાર પણ એ જ હકીકત દર્શાવે છે.
આ પણ વાંચો: ઈઝરાયેલની સ્વચ્છંદી નીતિ સામે અમેરિકાની સૌથી તીખી ટિપ્પણી
બુધવારે ટ્રમ્પ અને ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે થયેલી સમજૂતી બાદ આગામી 60 દિવસ દરમિયાન બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની છે. જોકે ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા મોજતબા ખામેનીએ કરાર અંગે સાવચેત અભિગમ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથેની વાતચીતનો અર્થ તેના તમામ મતોને સ્વીકારી લેવાનો નથી.
અંતિમ સમજૂતી ઉપર હજુ પણ અનિશ્ચિતતાનો ઓછાયો
અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ તથા પ્રાથમિક સમજૂતી થઈ હોવા છતાં અંતિમ અને વ્યાપક કરાર અંગે હજુ અનેક પ્રશ્નો યથાવત છે. ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સે સ્વિટ્ઝર્લૅન્ડની પોતાની મુલાકાત મુલતવી રાખતા આગામી તબક્કાની ચર્ચાઓ પર સવાલો ઊભા થયા છે. બીજી તરફ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા મોજતબા ખામેનીએ પણ કરાર અંગે અનામતીઓ વ્યક્ત કરી છે. પરમાણુ સમૃદ્ધિકરણ, પ્રતિબંધોમાં રાહત અને સુરક્ષા ગેરંટી જેવા મુખ્ય મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે હજુ સ્પષ્ટ સહમતિ બની નથી. પરિણામે પ્રાથમિક સમજૂતી છતાં અંતિમ કરાર સુધીનો માર્ગ સરળ નહીં રહે અને આગામી 60 દિવસની વાટાઘાટો નિર્ણાયક સાબિત થશે.
