ઈઝરાયેલની સ્વચ્છંદી નીતિ સામે અમેરિકાની સૌથી તીખી ટિપ્પણી
ઈરાન કરારનો વિરોધ કરનાર નેતન્યાહૂ સરકારને ચેતવણી, ” અમેરિકાજ તમારો એકમાત્ર શક્તિશાળી મિત્ર,તેને જ નિશાન ન બનાવો”
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સએ ઇઝરાયેલ સામે અત્યાર સુધીની સૌથી કડક જાહેર ટિપ્પણી કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “તમે દરેક રાષ્ટ્રીય સુરક્ષા સમસ્યાનો ઉકેલ લોકોની હત્યા કરીને લાવી શકતા નથી.” અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાન સાથે થયેલા કરારની ટીકા કરનાર ઇઝરાયેલી નેતાઓને વેન્સે આકરો જવાબ આપતાં કહ્યું કે ઇઝરાયેલે પોતાના એકમાત્ર શક્તિશાળી મિત્ર અમેરિકા સામે જ હુમલાખોર વલણ અપનાવવાનું બંધ કરી દેવું જોઇએ.
ઇરાન સાથે થયેલા સમજૂતી કરાર બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના મંત્રીઓ સતત કરારનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ કરાર ઇરાનના પરમાણુ કાર્યક્રમ અને બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતાઓને પૂરતી અસરકારક રીતે નિયંત્રિત કરતો નથી. જોકે વેન્સે આ વિરોધને “અતિશય પ્રતિક્રિયા” ગણાવ્યો હતો.
આ પણ વાંચો: ‘ટ્રમ્પે નિરાશામાં દબાણ વધારવા માટેબધા જ હથિયારો અજમાવી લીધા”
ન્યૂ યોર્ક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં વેન્સે ઇઝરાયેલને સવાલ કર્યો હતો કે, “તમારી વસ્તી માત્ર 90 લાખ છે. તમે દરેક સમસ્યાનો ઉકેલ માત્ર સૈન્ય કાર્યવાહીથી કેવી રીતે લાવશો?” તેમણે ઉમેર્યું કે મધ્યપૂર્વમાં સ્થાયી શાંતિ માટે રાજદ્વારી અને સમજૂતીનો માર્ગ જ એકમાત્ર વાસ્તવિક વિકલ્પ છે.
વેન્સે લેબનોનમાં ઇઝરાયેલના હુમલાઓ પર પણ અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે જ્યારે શાંતિ પ્રક્રિયા નિર્ણાયક તબક્કે પહોંચે છે ત્યારે બેરૂત જેવા નાગરિક વિસ્તારોમાં વિસ્ફોટો અને હુમલાઓ સમગ્ર પ્રક્રિયાને જોખમમાં મૂકે છે. “ઇઝરાયેલને આત્મરક્ષાનો અધિકાર છે, પરંતુ તેણે પણ શાંતિ પ્રક્રિયાનું સન્માન કરવું પડશે,” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું.
વેન્સે વધુમાં કહ્યું કે ટ્રમ્પ હાલમાં સમગ્ર મધ્યપૂર્વમાં વ્યાપક શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં છે અને ઇઝરાયેલે પણ આ પ્રક્રિયાને કમજોર કરવાને બદલે તેનો સાથ આપવો જોઈએ. અમેરિકી વહીવટીતંત્ર હવે સ્પષ્ટપણે માને છે કે ઇરાન કરાર પ્રદેશમાં લાંબા ગાળાની સ્થિરતા માટે ઐતિહાસિક તક છે.
વેન્સએ ઈઝરાયેલને સંભળાવ્યું ,”સુરક્ષા માટે તમે અમારી ઉપર નિર્ભર..”
વેન્સે ઇઝરાયેલને યાદ અપાવ્યું કે તેની સુરક્ષા વ્યવસ્થાનો મોટો હિસ્સો અમેરિકાના સહકાર પર આધારિત છે. તેમના જણાવ્યા અનુસાર ઇઝરાયેલને સુરક્ષિત રાખતી રક્ષણાત્મક પ્રણાલીઓમાંના લગભગ બે તૃતીયાંશ હથિયારો અમેરિકામાં બનાવાયા છે અને તેના માટેનો ખર્ચ અમેરિકન કરદાતાઓએ ઉઠાવ્યો છે. અમેરિકા દર વર્ષે અંદાજે 4 અબજ ડોલરની સૈન્ય સહાય ઇઝરાયેલને આપે છે. વેન્સનો સંદેશ સ્પષ્ટ હતો કે જે દેશ ઇઝરાયેલની સુરક્ષાનો સૌથી મોટો આધાર છે, તેના પ્રયાસો સામે જ જાહેરમાં મોરચો ખોલવો સમજદારીભર્યું નથી.
ટ્રમ્પ કેમ ઇઝરાયેલથી અકળાયા? :વેન્સે કારણ જણાવ્યું
વેન્સના જણાવ્યા મુજબ ટ્રમ્પની સૌથી મોટી નારાજગી એ છે કે જ્યારે પણ અમેરિકા મધ્યપૂર્વમાં કોઈ મહત્વપૂર્ણ રાજદ્વારી સફળતાની નજીક પહોંચે છે ત્યારે ઇઝરાયેલ તરફથી એવી સૈન્ય કાર્યવાહી થાય છે જે સમગ્ર પ્રક્રિયાને જોખમમાં મૂકી દે છે. ખાસ કરીને લેબનોનની રાજધાની બેરૂતમાં થયેલા હુમલાઓને ટ્રમ્પે અસ્વીકાર્ય ગણાવ્યા હોવાનું વેન્સે જણાવ્યું. ટ્રમ્પનું માનવું છે કે શાંતિ કરાર સફળ બનાવવા માટે તમામ પક્ષોએ સંયમ દાખવવો જરૂરી છે અને અનિયંત્રિત હુમલાઓથી સ્થિતિ વધુ જટિલ બને છે.
ટ્રમ્પ સિવાય વિશ્વમાં બીજા કોઈને ઇઝરાયેલ માટે સહાનુભૂતિ નથી
વેન્સે સૌથી ચર્ચાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ટ્રમ્પ જેટલી સહાનુભૂતિ ઇઝરાયેલ પ્રત્યે અન્ય કોઈ વિશ્વ નેતા ધરાવતો નથી. તેમણે ઇઝરાયેલી નેતાઓને ચેતવણી આપી કે જો તેઓ પોતાની સૌથી મોટી સમસ્યા તરીકે અમેરિકાના રાષ્ટ્રપતિને જ જોવા લાગશે તો તેઓ વાસ્તવિક ખતરાઓથી ધ્યાન ભટકાવી રહ્યા છે. વેન્સના શબ્દોમાં, ઇઝરાયેલે “વાસ્તવિકતા સમજી લેવાની” જરૂર છે, કારણ કે હાલમાં અમેરિકા જ તેનો સૌથી મજબૂત અને અસરકારક આંતરરાષ્ટ્રીય ટેકેદાર છે.
ઇઝરાયેલ હજુ પણ વળ નથી છોડતું.
ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન-ગ્વીરએ વેન્સના નિવેદનનો જવાબ આપતાં ઇરાનની તુલના “21મી સદીના નાઝીઓ” સાથે કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે લખ્યું કે, “આ જ અમારો પ્રસ્તાવ છે… 21મી સદીના નાઝીઓ સામે એ જ રીતે કાર્યવાહી થવી જોઈએ જેમ અમેરિકાે 20મી સદીના નાઝીઓ સામે કરી હતી.” બેન-ગવીરના આ નિવેદનથી સ્પષ્ટ થયું કે ઇઝરાયેલ સરકારના કટ્ટરપંથી વર્ગો હજુ પણ ઇરાન સામે વધુ આક્રમક અને સૈન્યકેન્દ્રિત નીતિના પક્ષમાં છે, જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર રાજદ્વારી અને શાંતિ કરારના માર્ગ પર ભાર મૂકી રહ્યું છે.
