શિયા મુહર્રમ ઉજવણીના દૃશ્યો પ્રસારિત થતાં જીઓ ન્યૂઝ પર 15 દિવસ પ્રતિબંધ
ચેનલે માફી માંગી, કાર્યક્રમ તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી દૃશ્યો હટાવ્યા.પ્રેસ ફ્રીડમ ઉપર સરકારી તરાપ
પાકિસ્તાનના મીડિયા નિયામક પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA) એ દેશની અગ્રણી ઉર્દૂ સમાચાર ચેનલ જીઓ ન્યૂઝનું પ્રસારણ 15 દિવસ માટે સ્થગિત કર્યું છે. 26 જૂને મુહર્રમ દરમિયાન પ્રસારિત કરવામાં આવેલા ‘સફર-એ-ઇશ્ક’ કાર્યક્રમમાં દર્શાવવામાં આવેલા ધાર્મિક દ્રશ્યો દેશની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સંવેદનાઓને ઠેસ પહોંચાડતા હોવાનું જણાવી પ્રતિબંધનો કોરડો વિઝવામાં આવ્યો હોવાનું “પેમરાએ ” જણાવ્યું હતું.
નિયમનકારી સંસ્થાના જણાવ્યા મુજબ આ કાર્યક્રમથી ધાર્મિક લાગણીઓ દુભાવાને કારણે સાંપ્રદાયિક સૌહાર્દ બગડી શકે અને જાહેર શાંતિને જોખમ ઊભું થઈ શકે છે. પેમરાએ ચેનલને આંતરિક તપાસના આદેશ આપ્યા છે તેમજ મામલો તેની કાઉન્સિલ ઓફ કમ્પ્લેન્ટ્સને સોંપ્યો છે.
જીઓ ન્યૂઝે પ્રતિબંધ બાદ કાર્યક્રમ તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી હટાવી જાહેર માફી માંગી હતી. ચેનલે સ્વીકાર્યું કે મુહર્રમના વિશેષ કાર્યક્રમમાં સંપાદકીય સ્તરે ભૂલ થઈ હતી. ચેનલના જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટરીમાં માત્ર ઇરાક અને કેટલાક મધ્ય-પૂર્વના દેશોમાં શિયા સમુદાય દ્વારા અનુસરાતી સ્થાનિક પરંપરાઓ દર્શાવવામાં આવી હતી, કોઈ ચોક્કસ ધાર્મિક વિચારધારાનું સમર્થન કરવાનો હેતુ નહોતો.
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં આંખના ટીપાં લીધા બાદ બાળકને અંધાપો
મુહર્રમ દરમિયાન પાકિસ્તાનમાં સુરક્ષા અને મીડિયા સામગ્રી પર વિશેષ નજર રાખવામાં આવે છે, કારણ કે સુન્ની અને શિયા સમુદાયો વચ્ચેના સાંપ્રદાયિક તણાવનો ઇતિહાસ રહ્યો છે. દેશમાં મીડિયા પર વધતા નિયંત્રણો અને પ્રેસ સ્વતંત્રતા અંગે પણ સતત સવાલો ઊઠી રહ્યા છે. રિપોર્ટર્સ વિથાઉટ બોર્ડર્સ (RSF) ના 2026ના પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં પાકિસ્તાનને 180 દેશોમાંથી 153મો ક્રમ મળ્યો છે.
જીઓ ન્યૂઝ પાકિસ્તાનની સૌથી લોકપ્રિય ઉર્દૂ ચેનલોમાંની એક
કરાચી સ્થિત જીઓ ન્યૂઝ પાકિસ્તાનની સૌથી વધુ જોવાતી ઉર્દૂ સમાચાર ચેનલોમાંની એક છે. મીડિયા ગ્રુપમાં 1,500થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. રાજકીય, સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓના વ્યાપક કવરેજ માટે જાણીતી આ ચેનલ પર અગાઉ પણ સરકારી નિયંત્રણો અને પ્રસારણ સંબંધિત પ્રતિબંધો લાગ્યા હોવાના પ્રસંગો સામે આવ્યા છે.
પાકિસ્તાનમાં ધાર્મિક વિવાદો જૂની સમસ્યા
પાકિસ્તાનમાં ધાર્મિક મુદ્દાઓ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. સુન્ની બહુમતી ધરાવતા દેશમાં શિયા સમુદાયની વસ્તી આશરે 10 ટકા છે અને બંને સમુદાયો વચ્ચે સમયાંતરે સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ બનતી રહી છે. પયગંબર મહંમદ અથવા અન્ય પૂજનીય ઇસ્લામિક વ્યક્તિત્વોના ચિત્રણને લઈને દેશમાં કડક વલણ અપનાવવામાં આવે છે. બ્લાસ્ફેમી (ધર્મનિંદા) સંબંધિત કડક કાયદાઓ અને ધાર્મિક વિવાદોને કારણે અનેક વખત વિરોધ પ્રદર્શન, ટોળાશાહી અને હિંસાની ઘટનાઓ પણ બની ચૂકી છે. તેથી મુહર્રમ જેવા ધાર્મિક પ્રસંગો દરમિયાન સરકાર મીડિયા પર વિશેષ નિયંત્રણ રાખે છે.
