સહારા ઈન્ડિયા કંપનીને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ ? જુઓ
સહારા ઈન્ડિયાની બચત યોજનાઓમાં નાણાં રોકનારા લાખો રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપની આકરી ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપને આદેશ કર્યો છે કે તે તેની સંપત્તિ વેચીને રોકાણકારોના નાણા પરત કરે. કોર્ટે કહ્યું કે સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં 10,000 કરોડ રૂપિયા જમા કરાવવા માટે ગ્રૂપને પ્રોપર્ટી વેચવાથી કોઈ રોકી શકે નહીં. સહારા ગ્રુપ પર તેની સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી. 15 ટકાના વાર્ષિક વ્યાજ સાથે નાણાં પાછા આપવા પડશે.
અગાઉ, 1 ઓગસ્ટ, 2012ના રોજ, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સહારા ગ્રૂપની કંપનીઓ – SIRECL અને SHICL રોકાણકારો પાસેથી જમા કરાયેલી રકમ 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરે.
આ વ્યાજ થાપણની તારીખથી ચુકવણીની તારીખ સુધી ચૂકવવાપાત્ર રહેશે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચે સહારા ગ્રુપ દ્વારા કોર્ટના નિર્દેશ મુજબ રકમ જમા ન કરવા પર નારાજગી વ્યક્ત કરાઇ હતી.
કપિલ સીબલની દલીલ
સહારા ગ્રૂપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે કંપનીને તેની સંપત્તિ વેચવાની તક આપવામાં આવી નથી. તેના પર બેન્ચે કહ્યું કે કોર્ટના આદેશ મુજબ સહારા ગ્રુપ પર 25,000 કરોડ રૂપિયામાંથી બાકીના 10,000 કરોડ રૂપિયા જમા કરાવવા માટે તેની સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી.
કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે સર્કલ રેટ કરતાં ઓછી કિંમતે મિલકતો વેચવી જોઈએ નહીં. સર્કલ રેટ કરતા ઓછા ભાવે તેને વેચવાના કિસ્સામાં કોર્ટની પૂર્વ પરવાનગી લેવાની રહેશે.