હુથી વિદ્રોહીઓએ અમેરિકાને કેવો ઝટકો આપ્યો ? વાંચો
અમેરિકાના ભાથામાં રહેલા સૌથી ઘાતક અને મહા વિનાશક ગણાતા એમક્યૂ-9 રિપર ડ્રોનને યમનના બળવાખોર હૂતી જૂથે તોડી પાડ્યુ હતું. અમેરિકા માટે આ બનાવ એક મોટો ઝાટકો મનાય છે. કારણકે એમક્યૂ-9 રિપર ડ્રોન વડે અમેરિકાએ અત્યાર સુધીમાં ઘણા મિશન પાર પાડયા છે. જેમાં ઈરાનના ટોચના જનરલની હત્યાનો પણ સમાવેશ થાય છે.
હૂતી જૂથને પણ ઈરાનનુ સમર્થન છે. અમેરિકાની ન્યૂઝ ચેનલે અમેરિકન સંરક્ષણ વિભાગના એક અધિકારીને ટાંકીને કહ્યુ હતુ કે, હૂતિ જૂથે યમનના કિનારા પર એક અમેરિકન ડ્રોન તોડી પાડ્યુ છે. આ ડ્રોન પર મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. એમક્યૂ-9 રિપર ડ્રોન મિસાઈલ હુમલામાંથી પોતાને બચાવી શક્યુ નહોતુ.
હૂતી જૂથની કાર્યવાહીને હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગમાં અમેરિકાને આપેલા વળતા જવાબ તરીકે જોવમાં આવી રહી છે. જોકે તેના કારણે હવે અમેરિકા વધારે ભૂરાંટુ થાય તો નવાઈ નહી હોય.
તાજેતરમાં હૂતી જૂથે જ્યારે ઈઝરાયેલ પર મિસાઈલ લોન્ચ કરી હતી ત્યારે મિડલ ઈસ્ટમાં તૈનાત અમેરિકાના યુધ્ધ જહાજોએ ચાર મિસાઈલો અને 15 ડ્રોન તોડી પાડ્યા હતા.