ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટથી શેરબજારમાં ‘બ્લડબાથ’ : સેન્સેકસમાં 3100 અને નિફ્ટીમાં 1000 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને કરોડોનું નુકસાન
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના આડઅસરોમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે બજારોમાં ભારે ઘટાડા બાદ, અઠવાડિયાના પહેલા દિવસે જ એશિયન બજારોમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. સેન્સેક્સ જે અગાઉ 75364 પોઈન્ટ પર બંધ થયો હતો તેમાં એક ઝાટકે 3914.75નો કડાકો નોંધાઈ જતાં સેન્સેક્સ સીધો 71449.94 પર આવી ગયો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1150 પોઇન્ટનો મોટો કડાકો નોંધાતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. પ્રી ઓપનિંગ સેશનમાં જ નિફ્ટી ગગડીને સીધો 21758 પર પહોંચી ગયો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના ઘણા દેશો પર પ્રતિશોધાત્મક ટેરિફ લાદવાથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની પ્રવૃત્તિઓ પર પણ અસર પડી છે. આજ કારણોસર સોમવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતા. આજે સવાર રોકાણકારો માટે ખરાબ સમાચાર લઈને આવી. આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 20.16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.
શેરબજારમાં ભૂકંપ
વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરૂઆત સાથે જ શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. સેન્સેક્સ આજે 3939.68 પોઈન્ટના કડાકા સાથે 71425.01ની બોટમે પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ ઐતિહાસિક 1160.8 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. રોકાણકારોની મૂડીમાં આજે 20 લાખ કરોડનું ધોવાણ થયું છે. શુક્રવારે 403.34 લાખ કરોડ સામે બીએસઈ માર્કેટ કેપ આજે 383 લાખ કરોડ થયુ છે.
ટ્રમ્પના ટેરિફ પ્રત્યે કડક વલણની વૈશ્વિક શેરબજાર પર અસર
ટ્રમ્પ સરકારે 180થી વધુ દેશોમાં ટેરિફ લાદવા પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. જેનાથી બજારમાં ચિંતા વધી છે. અમેરિકા સાથે ઝડપી વાટાઘાટો મારફત અનુકૂળ પરિણામની અપેક્ષા નકારાત્મક રહી છે. જેના પગલે ભારતીય શેરબજાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં વધુ ઘટવાની આશંકા માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. બીડીઓ ઇન્ડિયાના એફએસ ટેક્સ અને રેગ્યુલેટરી સર્વિસીસના પાર્ટનર અને લીડર મનોજ પુરોહિતે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં, બજારના સહભાગીઓ યુએસ ટેરિફની લાંબા ગાળાની અસર અને આ અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક પર નજર રાખશે.
4 એપ્રિલે પણ બજાર ભારે ઘટાડા સાથે થયું હતું બંધ
શુક્રવારે (4 એપ્રિલ) ના રોજ, વૈશ્વિક વેપાર યુદ્ધની વધતી જતી આશંકા વચ્ચે ભારતીય શેર સૂચકાંક સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ઘટીને 76,૦૦૦ ના સ્તરથી નીચે આવી ગયો હતો. 30 શેરો વાળા બીએસઈ સેન્સેક્સ 930.67 પોઈન્ટ અથવા ટકા 1.22 નીચા સ્તરે પહોંચ્યો હતો. તેવી જ રીતે, NSE નિફ્ટી 345.65 પોઈન્ટ અથવા 1.49 ટકા ઘટીને 22,904.45 પર બંધ થયો. દિવસ દરમિયાન, 50 શેરનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 382.2 પોઈન્ટ અથવા 1.64 ટકા ઘટીને 22,867.90 પર બંધ થયો.