હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 104 વર્ષના વૃધ્ધને સુપ્રિમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન
હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલા ૧૦૪ વર્ષના એક વૃધ્ધને સુપ્રિમ કોર્ટે વચગાળાના જામીન પર છોડવા આદેશ કર્યો છે. ચીફ જસ્ટીસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે 104 વર્ષીય વ્યક્તિની જામીન અરજી પર સુનાવણી કરી હતી. રસિક ચંદ્ર મંડલ નામની વ્યક્તિએ ૧૯૮૮માં હત્યા કરી હતી અને ૧૯૯૪માં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તે સમયે તેની ઉંમર 68 વર્ષની હતી.
વૃદ્ધે તેની સજાને પડકારતાં ઘણી વખત કોર્ટનો સંપર્ક કર્યો હતો. વર્ષ 2018માં કલકત્તા હાઈકોર્ટે તેમની અપીલ ફગાવી દીધી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પણ તેને કોઈ રાહત મળી ન હતી. આ ઉપરાંત, મંડલે 2020 માં સુપ્રીમ કોર્ટમાં નવી અપીલ દાખલ કરી હતી જેમાં તેણે તેની વધતી ઉંમર અને બીમારીઓને ટાંકી કોર્ટમાં રાહતની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટેના નિવૃત્ત જસ્ટિસ એ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે 7 મે, 2021ના રોજ મંડલની શારીરિક સ્થિતિ અને સ્વાસ્થ્ય અંગે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.
આ મામલો ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચ સમક્ષ આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ રાજ્યના વકીલ આસ્થા શર્માએ બેંચને કહ્યું કે તેમને ઘણી સમસ્યાઓ છે પરંતુ તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ ટૂંક સમયમાં તેમનો 104મો જન્મદિવસ ઉજવશે. સુપ્રીમ કોર્ટે મંડલની ઉંમરને ધ્યાનમાં રાખીને વચગાળાના જામીન ઉપર છોડવા આદેશ કર્યો હતો.