સુરત ફાયર વિભાગ હરકતમાં : ફાયર NOC વગરની 600થી વધારે દુકાનો કરાઈ સીલ
રાજકોટ અગ્નિકાંડના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા છે. આગની દુર્ઘટના બાદ રાજ્યના તમામ જીલ્લાઓમાં ફાયર nocને લઈને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. ફાયર NOC ન હોય તેની સામે ગુન્હો નોધવા હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટમાં આગની દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગની દોડધામ મચી છે. ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સિલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટની ઘટના બાદ સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં ફાયર NOCને લઈને મોડીરાત્રે તપાસ શરુ કરવામાં આવી હતી અને ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યું હતું. ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની 411 દુકાનો સીલ કરવામાં આવી હતી તો શ્રી ૐ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનોને સીલ કરવામાં આવી હતી ઉપરાંત હિરા પન્ના ટેક્સટાઇલ માર્કેટની પણ 75 દુકાનોને સીલ કરવામાં આવી હતી.
વાત કરીએ સુરતના વરાછા વિસ્તારની તો વરાછા ઝોન બીમાં ટર્નિંગ પોઇન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ કરવામાં આવી હતી તેમજ કતારગામ વિસ્તારમાં આવેલ B+B+2નું જીમને પણ સીલ કરવામાં આવ્યું છે. બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યું છે તો રાંદેર ઝોનમાં આવેલ રાજ પોઇન્ટમાં આવેલ દુકાનો, અને ચાર જેટલી ટ્યુશન ક્લાસીસો સહિત કુલ 50 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે. તમામ સ્થળોએ ફાયરની અપૂરતી સુવિધા હોવાને કારણે સિલિગની કાર્યવાહી કરવામાં આવી છે.