સૈફ અલી ખાન ઉપર હુમલો કરનાર થાણેથી પકડાયો: મુંબઈ પોલીસે જાહેર કરી આરોપીની ક્રાઇમ કુંડળી
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હત્યાના ઇરાદાથી હુમલો કરવાનો આરોપી ચોરીના ઇરાદે આવ્યો હતો. મુંબઈ પોલીસે આ કેસનો રહસ્ય ઉકેલી નાખ્યો છે. પોલીસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે, જે છેલ્લા કેટલાક મહિનાઓથી મુંબઈના થાણે વિસ્તારમાં બિજોય દાસના નામથી રહેતો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે આરોપી ભારતીય હોવાના કોઈ પુરાવા મળ્યા નથી અને તે બાંગ્લાદેશી નાગરિક હોઈ શકે છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીને કોર્ટમાં રજૂ કરશે અને પછી તેને રિમાન્ડ પર લેશે અને આ કેસમાં વણઉકેલાયેલા પ્રશ્નો શોધવાનો પ્રયાસ કરશે.
પ્રાથમિક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી પોતાનું નામ બિજોય દાસ કે પછી મોહમ્મદ ઈલિયાસ જેવા નામો આપી રહ્યો હતો. જોકે પોલીસે પૂછપરછ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પકડાયેલો આ આરોપી બાંગ્લાદેશનો વતની હોઈ શકે છે અને તે 5-6 મહિના પહેલાં જ તે મુંબઈ આવ્યો હોવાની ચર્ચા છે. મોડી રાતે લગભગ 100 જેટલી ટુકડી સાથે કાર્યવાહી કરતાં પોલીસે થાણેના હીરાનંદાણી એસ્ટેટની નજીક બનેલા લેબર કેમ્પ નજીક આવેલી ઝાડીઓમાંથી તેને પકડી પાડ્યો હતો. આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. જ્યાં રિમાંડની માગ કરાશે.
બારમાં હાઉસકીપિંગ કરતો હતો

માહિતી અનુસાર મો.શહેજાદ એ જ વ્યક્તિ છે જેણે 16 જાન્યુઆરીની રાતે ઘરમાં ઘૂસીને સૈફ પર ચપ્પાથી હુમલા કર્યા હતા. આરોપીની ઓળખ પહેલા વિજય દાસ તરીકે જાહેર કરાઈ હતી પરંતુ તે પછીથી મો.શહેજાદ હોવાનો ખુલાસો થયો છે. પકડાયા બાદ તેણે પોલીસ સામે સ્વીકાર્યું કે મેં જ સૈફ અને કરીનાના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસે હાલ તેની ધરપકડ કરી છે. આરોપી થાણેના રિકી બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો. આરોપીની ઓળખ લગભગ 30 વર્ષની આજુબાજુ હોવાની આશંકા છે.