ગોવા અને હિમાચલ પ્રદેશમાં પેરાગ્લાડિંગ દુર્ઘટના: ગુજરાતી યુવતી સહિત ત્રણનાં મોત
દેશમાં 24 કલાકમાં ગોવાને હિમાચલ પ્રદેશમાં બે પેરાગ્લાઈડીંગની દુર્ઘટના સામે આવી છે જેમાં ગુજરાતની એક યુવતી અને અન્ય બે વ્યક્તિના મોત થયા છે. હિમાચલ પ્રદેશ અને બાદમાં ગોવામાં પણ પેરાગ્લાઈડિંગ દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે. પેરાગ્લાઈડિંગ કરતી એક યુવતી અને પેરાગ્લાઈડર ઓપરેટરનું દુર્ઘટનામાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પેરાગ્લાઈડિંગ કરતી વખતે એકાએક દોરડું તૂટતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
કંપની માલિક સામે પોલીસે કથિત રીતે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતના અમદાવાદમાં મહિલા સહજાનંદ એવન્યુ, ટોરેન્ટ પાવર લિમિટેડ, નારણપુરા અમદાવાદની રહેવાસી ખુશી ભાવસાર પરિવાર સાથે ધર્મશાળા પહોંચી હતી. આ દરમિયાન ધર્મશાલાના ઇન્દ્રુનાગમાં પેરાગ્લાઇડિંગ કરતી વખતે પાઈલટ સાથે ટેક-ઓફ પોઈન્ટ પરથી નીચે પડી ગઈ હતી. નીચે પટકાતાં આ યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
જોકે, બીજી તરફ પેરાગ્લાઈડિંગ પાઈલટનો બચાવ થયો છે. આ ઘટનામાં પેરાગ્લાઈડિંગ પાઈલટને સામાન્ય ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને પણ પ્રાદેશિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તે પહેલાં રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.ઘટના અંગે એએસપી જિલ્લા કાંગડા વીર બહાદુરે જણાવ્યું કે, ‘ધર્મશાલામાં ઇન્દ્રુનાગ પેરાગ્લાઈડિંગ સાઇટ પર એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં પેરાગ્લાઈડિંગ પાઈલટ અને એક યુવતી ટેક ઓફ કરતી વખતે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.
તેઓ બંને ખાઈમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં 19 વર્ષની યુવતીનું મોત થઈ ગયું છે. મૃતદેહને ઝોનલ હોસ્પિટલ ધર્મશાળા લાવવામાં આવ્યો છે જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ રવિવારે મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. પાઈલટ સુરક્ષિત છે. પોલીસ ઘટના સ્થળે જઈને દુર્ઘટનાના કારણની તપાસ કરી રહી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તો બીજી તરફ ગોવામાં સલામતીના નિયમોની બેદરકારીના કારણે પેરાગ્લાઈડિંગ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પુણેની એક મહિલા ટુરિસ્ટ અને નેપાળી પેરાગ્લાઈડિંગ પાઈલટનું મોત થઈ ગયું છે. પેરાગ્લાઈડિંગ કરતી વખતે દોરડું તૂટી જતાં બંનેના મોત થયા હતા. આ દુર્ઘટના 18 જાન્યુઆરીના રોજ કેરી પ્લેટુ પર જ્યારે પરવાનગી વિના અને સલામતીના સાધનો વિના પેરાગ્લાઈડિંગ કરાવવામાં આવી ત્યારે સર્જાઈ હતી. ગોવા પોલીસે કેસ નોંધીને પેરાગ્લાઈડિંગ કંપનીના માલિકની ધરપકડ કરી લીધી છે. તેના પર કથિત દોષિત હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આ દુર્ઘટના 18 જાન્યુઆરીએ ગોવામાં સર્જાઈ હતી, જેમાં પુણેની રહેવાસી 27 વર્ષીય શિવાની અને 26 વર્ષીય પેરાગ્લાઈડિંગ પાઈલટ સુમન નેપાળીનું પેરાગ્લાઈડિંગ દરમિયાન મૃત્યુ થઈ ગયુ હતું.
પોલીસનું કહેવું છે કે, સલામતીના નિયમોની અવગણના અને પરવાનગી વિના પેરાગ્લાઈડિંગના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે આ કેસમાં FIR નોંધીને પેરાગ્લાઈડિંગ કંપનીના માલિક શેખર રાયજાદાની ધરપકડ કરી લીધી છે. શેખર રાયજાદા પર આરોપ છે કે તેમણે પોતાની કંપનીના પાઈલટને પરવાનગી વગર અને સલામતીના સાધનોની વ્યવસ્થા કર્યા વિના વિદેશી ટુરિસ્ટો સાથે પેરાગ્લાઈડિંગ કરવાની મંજૂરી આપી હતી. અને આ કારણોસર બે લોકોએ જીવ ગુમાવ્યો છે. ગોવાના ડાયરેક્ટર જનરલ ઓફ આલોક કુમારે આ મામલે જણાવ્યું કે, કંપની અને તેના માલિક વિરુદ્ધ કથિત દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારી પરેશ કાલેએ જણાવ્યું કે, આરોપી શેખર રાયજાદાએ જાણી જોઈને પોતાની કંપનીના પાઈલટને લાઈસન્સ વિના પેરાગ્લાઇડિંગ કરવાની મંજૂરી આપી હતી, જેનાથી ટુરિસ્ટોના જીવ જોખમમાં મુકાયા હતા. અકસ્માતની તપાસ ચાલી રહી છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.