RMCના આરોગ્ય અધિકારીને ‘માપ’માં કરાયા : મંજૂરી વગર ખર્ચ કરવાની મનાઈ !
રાજકોટ મહાપાલિકાની અત્યંત મહત્ત્વની ગણાતી આરોગ્ય શાખાના અધિકારી ડૉ.જયેશ વંકાણી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલા છે. પાછલા જનરલ બોર્ડમાં કોર્પોરેટર વિનુભાઈ ધવા દ્વારા આરોગ્ય અધિકારી ઉપર ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો લગાવ્યા બાદ થોડા સમય પહેલાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં પણ એક નહીં બલ્કે અનેક કોર્પોરેટરોએ મેયર, શહેર ભાજપ પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ડૉ.વંકાણી અંગે ફરિયાદ કરતાં આ મુદ્દે કાર્યવાહી કરવા માટે સ્ટે.ચેરમેન દ્વારા કમિશનરને તાકિદ કરાતાં જ સોમવારે ઉઘડતી કચેરીએ ડૉ.જયેશ વંકાણીને `માપ’માં રહેવાનો હુકમ કરી મંજૂરી વગર એક રૂપિયાનો પણ ખર્ચ કરવાની મનાઈ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા કરાયેલા હુકમમાં જણાવાયું છે કે આરોગ્ય શાખા હસ્તક જુદા-જુદા વોર્ડમાં આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે અને શહેરના લોકોની આરોગ્ય વિષયક પ્રાથમિક સુવિધાઓ અહીંથી પૂરી પાડવામાં આવે છે. વહીવટી સરળતા માટે આરોગ્ય શાખાની રોજિંદી કામગીરીની દેખરેખ કિર્તન એ.રાઠોડ (નાયબ કલેક્ટર-મધ્યાહન ભોજન)ને હાલની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી સોંપવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય શાખાની તમામ નાણાકીય બાબતો પર નાયબ કમિશનર (આરોગ્ય) સુપરવિઝન રહેશે. એકંદરે આરોગ્ય શાખામાં હવે નાયબ કમિશનરની મંજૂરી વગર કોઈ જ પ્રકારની ખરીદી કરી શકાશે નહીં.
બીજી બાજુ શાસકો દ્વારા ડૉ.જયેશ વંકાણી સસ્પેન્ડ થાય તે માટે પણ તૈયારી કરી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. ડૉ.વંકાણીની પસંદગી સિલેક્શન કમિટી દ્વારા કરવામાં આવી હોય ટૂંક સમયમાં જ કમિટીના ધ્યાને પણ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા મુકી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવશે. બીજી બાજુ આજે જનરલ બોર્ડની કાર્યવાહી થવાની છે તે પહેલાં જ મ્યુ.કમિશનર દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો.