ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
નૈઋત્યના ચોમાસાના આગમન પૂર્વે જ અરબી સમુદ્રમાં સિસ્ટમ ઉદ્ભવી હોવાથી આગામી તા.24થી તા.31 મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝંઝાવાતી વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ તા.24થી 30 મે દરમિયાન રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં 100થી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી આતીભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી તા.23 મેથી ત્રણ મે દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. સાથે જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તેમજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
બીજીતરફ અરબી સમુદ્રમાં આગામી તા.23થી એક ચક્રવાત ઉદ્ભવશે જે તા.25ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેથી ગુજરાત તરફ સરકી ધીમે-ધીમે તીવ્ર બની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી તા.27-28ના રોજ તરખાટ મચાવશે. દરિયામાં સર્જાયેલા ચક્રવાતને કારણે 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમને કારણે કચ્છમાં પણ ભારે પવન સાથે વરસાદની તેઓએ આગાહી કરી છે.