જનતાને થયો ડબલ ફાયદો…મોંઘવારી દરમાં ઘટાડો : શાકભાજી, ખાવા-પીવાની ચીજ-વસ્તુઓ થઇ સસ્તી
મોંઘવારીના દિવસોમાં લોકો માટે મંગળવારે સારા સમાચાર બહાર આવ્યા હતા. છૂટક અને જથ્થાબંધ બંને મોંઘવારીના દરમાં ઘટાડો નોંધાયો હતો. એક સાથે જ બંનેના આંકડા જાહેર થયા હતા અને આમ લોકોને થોડી રાહત મળી છે. રિઝર્વ બેન્કના પગલાઓને લીધે પણ ઘણો ફરક પડી ગયો છે અને સ્થિતિમાં સુધારો થયો છે. શાકભાજી સસ્તા થયા છે.
અન્ય ખાવા પીવાની ચીજોના ભાવ પણ નીચે રહ્યા છે. છૂટક ફુગાવાનો દર માર્ચ 2025માં ઘટીને 3.34% થયો છે. ફેબ્રુઆરીમાં તે 3.6% હતો, એટલે કે હવે તેમાં વધુ ઘટાડો થયો છે. આ માહિતી મંગળવારે સરકારે જાહેર કરી હતી. ઓગસ્ટ 2019પછી આ વાર્ષિક ધોરણે સૌથી નીચો ફુગાવો છે. રસપ્રદ વાત એ છે કે, આ આંકડો રિઝર્વ બેંક ના 4% ના લક્ષ્યાંકથી પણ નીચે છે અને 2% થી 6% ની રેન્જમાં આરામથી રહે છે.
જથ્થાબંધ ફુગાવો પણ ઘટ્યો
માર્ચમાં જથ્થાબંધ ફુગાવો પણ ઘટીને 2.05% થયો, જ્યારે ફેબ્રુઆરીમાં તે 2.38% હતો. આ આંકડા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જથ્થાબંધ સ્તરે ખાદ્ય ચીજવસ્તુઓ અને ઇંધણના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે ફુગાવો ઓછો થયો છે. જોકે, ઉત્પાદન માલ એટલે કે ફેકટરીઓમાં ઉત્પાદિત માલના ભાવમાં થોડો વધારો થયો છે. જથ્થાબંધ આંકડા એવી વસ્તુઓના ભાવ દર્શાવે છે જે મોટા જથ્થામાં ખરીદવામાં આવે છે અને વેચાય છે, જેમ કે કાચો માલ, બાંધકામ અને ઔદ્યોગિક માલ. તે જ સમયે, બજારમાં માલ ખરીદતી વખતે સામાન્ય લોકો રિટેલ ફુગાવો અનુભવે છે.