આખો ગાંધી પરિવાર કાયદાની જાળમાં : નેશનલ હેરલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ સામે EDએ ચાર્જશીટ કરી દાખલ
ગાંધી પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા અને રાહુલ ગાંધીની સામે ઈ.ડી. દ્વારા મંગળવારે દિલ્હીની કોર્ટમાં બહુચર્ચિત નેશનલ હેરલ્ડ અંગેના મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી હતી. ઈ.ડી. દ્વારા આ કેસમાં હવે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ૨૫મી તારીખે ચાર્જશીટ પર સુનાવણી થવાની છે. આમ, ગાંધી પરિવાર કાયદાની જાળમાં સપડાઈ ગયો છે.
ઈ.ડી. દ્વારા દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં મંગળવારે આ ચાર્જશીટ દાખલ કરાઈ હતી અને તેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપરાંત ઓવરસિઝ કોંગ્રેસના વડા સેમ પિત્રોડાનું નામ પણ છે અને આ ઉપરાંત સુમન દુબે અને અન્ય લોકોના પણ નામ સામેલ છે. આમ, આખો ગાંધી પરિવાર કાયદાની જાળમાં સપડાયો છે. મંગળવારે જ પ્રિયંકા ગાંધીના પતિ રોબટ વાડ્રાની પણ જમીન કૌભાંડ કેસમાં ઈ.ડી. દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હેરલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ઈ.ડી.એ ગત ૧૨ તારીખે પણ મોટી કાર્યવાહી કરી હતી અને આ કેસ અંતર્ગત એટેચ કરવામાં આવેલી સંપત્તિઓ પર પણ કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી. ઈ.ડી.એ 11મી એપ્રિલે દિલ્હી, મુંબઈ અને લખનૌના પ્રોપર્ટી રજિસ્ટ્રારોને નોટિસ મોકલી હતી. એ જ રીતે મુંબઈના હેરલ્ડ હાઉસમાં જિંદલ સાઉથ લિમિટેડને પણ નોટિસ પાઠવી હતી. ઈ.ડી.એ એમ કહ્યું હતું કે, અમારી તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ કેસમાં લગભગ રૂા.988 કરોડની કાળી કમાણી કરવામાં આવી છે. આમ, નેશનલ હેરલ્ડ અંગેના મની લોન્ડરિંગ કેસમાં ગાંધી પરિવારની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે અને દિલ્હીની કોર્ટમાં ૨૫મી તારીખે ચાર્જશીટ પર સંજ્ઞાન લેવા માટે સુનાવણી થવાની છે.