રાજકોટમાં 22 પે એન્ડ પાર્ક સાઈટ બ્રિજ નીચે હોવાથી કોઈ જ ‘લેવાલ’ નહીં : મનપાએ ત્રીજી વખત ટેન્ડર પ્રસિદ્ધ કર્યું
રાજકોટમાં ટ્રાફિક સમસ્યા સર્જાવા પાછળ ઘણેખરે અંશે આડેધડ પાર્કિંગ પણ જવાબદાર હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા દરે મહાનગરમાં પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવાનો આદેશ અપાયા બાદ વર્ષોથી આ પોલિસીનો અમલ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં 65 સ્થળે પે એન્ડ પાર્કિંગ છે જેમાંથી 28 સાઈટ હજુ પણ ખાલી હોય મહાપાલિકા દ્વારા સતત ત્રીજી વખત ટેન્ડર કરવામાં આવ્યું છે. કુલ 28 પૈકી 22 સાઈટ એવી છે જે બ્રિજ નીચે હોવાથી કોઈ જ `લેવાલ’ નહીં મળી રહ્યાનું જાણવા મળ્યું છે.

થોડા મહિના અગાઉ 37 પે એન્ડ પાર્કિંગ સાઈટ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાંથી 9 સાઈટ માટે ભાવ આવતાં તેને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી હતી. આ પછી બાકી રહેલી 28 સાઈટ માટે ટેન્ડર કરાયું હતું જેમાં કોઈએ રસ ન દાખવતાં ફરી વખત ટેન્ડર કરવામાં આવ્યું હતું જેમાં પણ કોઈએ ટેન્ડર ન ભરતાં હવે ત્રીજી વખત ટેન્ડર કરવામાં આવ્યું છે જે ભરવાની અંતિમ તારીખ 27 જૂલાઈ છે.
આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના : એર ઇન્ડિયાની વળતર પ્રક્રિયા સામે 40 મૃતકોના પરિવારજનો નારાજ, લગાવ્યા ગંભીર આક્ષેપ
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ખુલ્લા પ્લોટમાં પે એન્ડ પાર્કની સાઈટ હોય તો સારી એવી કમાણી થતી હોય લોકો તેના માટે ભાવ ભરવાનું વધુ પસંદ કરે છે પરંતુ બ્રિજ નીચે ધારણા પ્રમાણે વાહન પાર્ક થઈ રહ્યા ન હોય કોન્ટ્રાક્ટરને ઉલટાની નુકસાની જાય તેમ હોવાથી ટેન્ડર ભરવાથી ખચકાઈ રહ્યા છે.