નાગપુર હિંસાના માસ્ટર માઇન્ડ ફહીમ ખાનની ધરપકડ : વિહિપ અને બજરંગ દળના પણ 8 લોકો ઝડપાયા; અજંપાભરી શાંતિ
કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ યથાવત પણ સ્થિતિ નિયંત્રણમાં; વિહિપ. બજરંગ દળના પણ ૮ લોકો ઝડપાયા; અજંપાભરી શાંતિ
મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે ફાટી નીકળેલી હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનની બુધવારે ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેરીને ભીડ એકઠી કરી હતી. કોર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસે દાવો કર્યો છે કે આ હિંસા પાછળ મુખ્ય આરોપી, 38 વર્ષીય ફહીમ શમીમ ખાન જવાબદાર છે. શમીમ માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટીનો નાગપુર શહેર પ્રમુખ છે.
બીજી બાજુ નાગપુર શહેરમાં બુધવારે પણ અજંપાભરી શાંતિ રહી હતી અને કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો હતો અને પોલીસનો બંદોબસ્ત પણ જાળવી રાખવામાં આવ્યો છે . પોલીસે બજરંગ દળ અને વિહીપના ૮ લોકોની પણ ધરપકડ કરી હતી.
ભડકાઉ ભાષણ આપ્યું હતું
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ફહીમે ભડકાઉ ભાષણો આપીને સમુદાયના લોકોને ઉશ્કેર્યા હતા, જેના પછી નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. એફઆઈઆરમાં પણ તેનું નામ નોંધાયેલું છે. મળતી માહિતી મુજબ, ફહીમ ખાન નાગપુરના સંજય બાગ કોલોની યશોધરા નગરનો રહેવાસી છે.
ગડકરી સામે ચુંટણી લડ્યો હતો
2024ની લોકસભા ચૂંટણી નાગપુર બેઠક પરથી માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર લડી હતી, જેમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી મેદાનમાં ઉતર્યા પછી, તે રાજકીય રીતે સક્રિય થઈ ગયો અને શહેરમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નાગપુર હિંસા એક પૂર્વ-આયોજિત કાવતરું હતું. ફહીમ ખાને કેટલાક કટ્ટરપંથી લોકોને ભેગા કર્યા અને આયોજનબદ્ધ રીતે રમખાણો ભડકાવવાનું કામ કર્યું.
ફડણવીસે કહ્યું, ચાદર બાળવામાં આવી જ નહતી, અફવા ફેલાવાઈ હતી
દરમિયાસન્મા બુધવારે મુખ્યમંત્રી ફડનવીસે વિધાનસભામાં આ અંગે નિવેદન આપીને એમ કહ્યું હતું કે પવિત્ર લખાણવાળી ચાદર બાળવામાં આવી જ નહતી અને આ અંગે અફવા ફેલાવી દેવાઈ હતી અને ત્યારબાદ તોફાનો કરાયા હતા. જો કે પોલીસ પર હુમલો કરનારાને છોડાશે નહીં. એમણે કહ્યું હતું કે પોલીસ પર હુમલો કરનારાને છોડાશે નહીં. હિંસા ફેલાવનારા કાયદા મુજબ દંડાશે.