મહારાષ્ટ્રમાં ગોઝારો અકસ્માત : ગોંદિયામાં બાઇક સવારને બચાવવા જતાં બસ પલટી, 9 લોકોના કમકમાટીભર્યા મોત
દેશમાં અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના મહારાષ્ટ્રમાં સામે આવી છે જેમાં ગોંદિયામાં શુક્રવારે બપોરે બસ અકસ્માતમાં 9 મુસાફરોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ગોંદિયા-કોહમારા સ્ટેટ હાઈવે પર આ દુર્ઘટના સર્જાઇ હતી. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ની શિવશાહી બસે બાઇકને બચાવવાનો પ્રયાસ કરતાં આ અકસ્માત થયો હતો. કાબૂ ગુમાવવાને કારણે બસ પલટી ગઈ, જેના કારણે 9 મુસાફરોના જીવ ગયા. અકસ્માત સમયે બસમાં 35થી વધુ લોકો સવાર હતા.
પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધી પોલીસે કરી કાર્યવાહી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક રાહદારીઓએ ઘાયલોને બચાવવામાં મદદ કરી અને પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી. ઘાયલોને ગોંદિયાની જિલ્લા સરકારી KTS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ₹10 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગંભીર ઇજાગ્રસ્તોને સરકારી ખર્ચે સારવાર આપવામાં આવશે.
પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગેલી છે. અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં મુસાફરોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.
દેવેન્દ્ર ફડણવીસે કલેક્ટરને આપી સૂચના
આ ઘટના પર દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, “તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગોંદિયા જિલ્લાના રોડ અર્જુની પાસે એક શિવશાહી બસનો અકસ્માત થયો અને કેટલાક મુસાફરોના મોત થયા. હું મૃતકોને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ઘટનામાં ઘાયલ લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની જરૂર પડે તો પણ તાત્કાલિક કરવા સૂચના આપવામાં આવી છે. મેં ગોંદિયા કલેકટરને પણ કહ્યું છે કે જો જરૂરી હોય તો તેમને નાગપુર શિફ્ટ કરવાની વ્યવસ્થા કરો.