ગુજરાત ATSએ ઓખા નજીકથી પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ : દુશ્મન દેશને મોકલતો હતો ગુપ્ત માહિતી
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની ધરપકડ કરી છે. દ્રારકા પંથકના ઓખા નજીકથી પાકિસ્તાની જાસૂસ ઝડપી લેવામાં ATSને સફળતા મળી છે. દિનેશ નામનો શખ્સ કે જે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો તે પાકિસ્તાનને જાસૂસી કરીને માહિતી પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. આરોપી સંવેદનશીલ માહિતી મોકલતો હતો તેવી ચોક્કસ બાતમી આધારે આ કાર્યવાહી થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત ATS દ્વારા જાસૂસની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતને નાકામ કરીને ગુજરાત ATSએ પાકિસ્તાની જાસૂસને પકડી પડ્યો છે. ATSએ ઓખામાં રહેતા દિનેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તે છેલ્લા ઘણાં સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્ત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતા. દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા. હાલ આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોરબંદરથી અગાઉ જાસૂસ ઝડપાયો હતો
ઉલ્લેખનીય છે કે મહિના પહેલા ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, પોરબંદરનો એક શખસ કેટલાક સમયથી પાકિસ્તાની આર્મી કે જાસૂસી સંસ્થા ISIના અધિકારી કે એજન્ટના સંપર્કમાં છે. આ શખસ પોરબંદર કોસ્ટગાર્ડની કેટલીક માહિતી લીક કરીને પાકિસ્તાન પહોંચાડે છે. જેને લઇને ગુજરાત ATSની ટીમે પંકજ કોટિયા નામના શંકાસ્પદ પર વોચ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે પંકજની અટકાયત કરી હતી.ગુજરાત ATSએ આરોપી પંકજની અટકાયત બાદ પૂછપરછ હાથ ધરતા તે પોરબંદર કોસ્ટડગાર્ડ જેટી તથા જેટી ઉપરની ભારતીય કોસ્ટગાર્ડની બોટોની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન મોકલી આપતો હોવાનો ખુલાસો થયો હતો.