કટ્ટરવાદીઓએ સંવાદિતાના સંગીતનું ગળું ઘોંટયું
બાંગ્લાદેશમાં પરંપરાગત સહિષ્ણુતા સંગીત મહોત્સવ પ્રથમ વખત રદ
બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરવાદીઓના વિરોધને કારણે સદીઓથી પરંપરાગત રીતે થતો સહિષ્ણુતા સંગીત મહોત્સવ રદ કરવામાં આવ્યો હતો. 17 મી સદીના બંગાળના મહાન સમાજ સુધારક અને રહસ્યમય સંત લાલોન શાહના અનુયાયીઓ હિન્દુ અને સૂફી પરંપરાનો સમન્વય ધરાવતા પંથના સાધકો છે. બાઉલ તરીકે ઓળખાતા એ પંથના ફકીરો ધાર્મિક સંવાદિતાનો સંદેશો આપતા ગીતો ગાઈ ભિક્ષા ઉઘરાવી જીવન નિર્વાહ કરે છે. આ નિર્દોષ અને પવિત્ર ભિક્ષુઓના સુરીલા કંઠેથી ગવાતા પ્રેમ અને ભાઈચારાનો સંદેશો પ્રસરાવતા ગીતો બાંગ્લાદેશની લોકપરંપરાનો અભિન્ન હિસ્સો બની રહ્યા છે.
આ પંથના અનુયાયીઓ દ્વારા નારાયણ ગંજમાં દર વર્ષે બે દિવસનો સહિષ્ણુતા સંગીત મહોત્સવ યોજવામાં આવે છે. પણ આ વખતે ઈસ્લામી કટરવાદીઓની ધમકીને પગલે એ ઉત્સવ બંધ રાખવા પડ્યો હતો.
હફાઝત એ ઇસ્લામ નામના કટરવાદી સંગઠનના નેતા મહમદ હકે ઇસ્લામ ની સાચી ભાવનાથી વિરોધાભાસી હોય તેવી કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપી શકાય નહીં તેવી સરકારી તંત્રને ધમકી આપી હતી. આ પંથના અનુયાયીઓ ઉજવણીને નામે અશ્લીલતાને પ્રોત્સાહન આપતા હોવાનો, મહિલાઓ ગીતો ગાતી હોવાનો અને નૃત્ય કરતી હોવાનો, અને બાઉલો ગાંજાનું ધૂમ્રપાન કરતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.