બાંગ્લાદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : શુક્રવારની નમાઝ બાદ વધુ ત્રણ મંદિરો પર હુમલા, 1 મંદિરને આગ ચાંપી સળગાવી દીધું
બાંગ્લાદેશમાં સાધુ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની ધરપકડ અને એક વકીલની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે. કટ્ટરવાદીઓ દ્વારા હિંદુ સમુદાય ઉપર ઉપર આ છાપરી હુમલાઓ થઈ રહ્યા છે. ચિત્તાગોંગમાં શુક્રવારે બપોર ની નમાજ બાદ હજારો લોકોના ટોળાએ ત્રણ મંદિરો પર હુમલા કરતા હિન્દુ સમુદાયમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એક મંદિરને તો આગ ચાપી દેવામાં આવી હતી. બાંગ્લાદેશની પોલીસે આ ઘટનાને બે જૂથ વચ્ચેના ઘર્ષણમાં ખપાવી દીધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ શુક્રવારે બપોરની નમાઝ પૂર્ણ થયા બાદ બ2.30 વાગ્યાના અરસામાં ચિત્તાગોંગનાં પથ્થરઘાટ વિસ્તારમાં આવેલ હરિશ્ચંદ્ર મુન્સેફ લેન તરફ હજારો લોકોનું ટોળું હિન્દુ વિરોધી અને ઇસ્કોન વિરોધી સૂત્રોચારો સાથે મંદિરો પર તૂટી પડ્યું હતું.
ટોળાએ ભયંકર પથ્થરમારો કર્યો હતો. એ દરમિયાન શાંતેશ્વરી માતરી મંદિર, શનિ મંદિર અને શાંતેશ્વરી કાલીબારી મંદિરને ટોળાએ નિશાન બનાવ્યા હતા. શનિ મંદિરને આગ ચાપી દેવામાં આવી હતી. અન્ય બે મંદિરોના દરવાજાને નુકસાન થયું હતું. ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત હોવા છતાં હુમલાના બનાવો બન્યા હતા. પોલીસે મંદિરોમાં સામાન્ય નુકસાન થયા આવવાનો બચાવ કર્યો હતો.
નોંધનીય છે કે સાધુ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની ધરપકડના વિરોધમાં કોર્ટ પરિસરમાં હિન્દુ સમુદાયના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. એ દરમિયાન એક આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિપ્યુટરની હત્યા થતાં મામલો અતિ સ્ફોટક બની ગયો છે.
ઢાકા યુનિ.માં વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન ઇસ્કોન પર પ્રતિબંધ મુકવામાં માંગણી
ભારત વિરોધી આંદોલનમાં હવે વિદ્યાર્થીઓ પણ સહભાગી બની રહ્યા છે. શુક્રવારે ઢાકા યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓએ ભારત વિરોધી દેખાવો કર્યા હતા.
વિદ્યાર્થી નેતા બીન યામીન મોલાએ ભારત બાંગ્લાદેશમાં
ધર્મના નામે વિભાજન કરાવવાની કોશિશ કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે સરહદ ઉપર દરરોજ ભારત દ્વારા બાંગ્લાદેશી લોકોને મારી નાખવામાં આવે છે. વિદ્યાર્થી નેતાઓએ તાજેતરમાં જ ભારતમાં એક મસ્જિદ મુદ્દે ‘ અનેક ‘ મુસ્લિમોને મારી નખાયા હોવાનું જણાવી ભારતમાં મુસ્લિમો સહિત લઘુમતીઓ દરરોજ કટરવાદી હિન્દુ તત્વોના દમનનો ભોગ બનતા હોવાનો આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થી નેતાઓએ શેખ હસીનાના પ્રત્યારોપણની અને ઇસ્કોન ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. છાત્ર નેતાઓએ કહ્યું કે ભારતને આપણે મિત્ર દેશ ન માની શકીએ.
ભારતમાં લઘુમતીઓ પર ક્રૂર દમન થાય છે: સરકારના કાનૂની સલાહકારનો આક્ષેપ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારના મુદ્દે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા નિહાળ્યા બાદ બાંગ્લાદેશે લાજવા ને બદલે ગાજવાનું શરૂ કર્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાનૂની સલાહકાર આલીફ નઝરૂલે બાંગ્લાદેશમાં બનતી ઘટનાઓ અંગે ભારત બિનજરૂરી પ્રતિક્રિયા આપતું હોવાની ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમો સહિત લઘુમતીઓ ઉપર ક્રૂર અત્યાચારો થાય છે પણ એ ઘટનાનો ભારતને કોઈ ક્ષોભ કે પસ્તાવો નથી. લઘુમતીઓ પરના દમન અંગે ભારત બેવડા માપદંડ ધરાવતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
તેમણે ભારત ઉપર હિન્દુઓ પરના અત્યાચાર બાબતે સુનિયોજિત રીતે ગેર માહિતીઓ ફેલાવવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. બાંગ્લાદેશમાં એક તરફ હિન્દુઓ ઉપર દરરોજ હુમલા થઈ રહ્યા છે ત્યારે આરીફ નઝરુલે એક કથિત સર્વે નો હવાલો આપી બાંગ્લાદેશની વર્તમાન સરકારના શાસનમાં હિન્દુઓ અગાઉની અવામી લીગ સરકાર કરતા વધારે સલામત હોવાનો દાવો કર્યો હતો. નોંધનીય છે કે એક કહેવાતા સર્વેમાં 64.1 ટકા લોકોએ હિન્દુઓ પહેલા કરતા વધારે સલામત હોવાનો મત વ્યક્ત કર્યો હતો. જોકે આ સર્વેમાં માત્ર 1000 લોકોનો જ મત લેવામાં આવ્યો હતો અને તેમાંથી મોટાભાગના મુસ્લિમો હતા.
ભારતના ‘ અપપ્રચારનો ‘ જવાબ આપવા બાંગ્લા પત્રકારોને સરકારનું આહવાન
બાંગ્લાદેશ સરકારે હિન્દુઓ પરના અત્યાચાર મુદ્દે ભારત અત્યંત વ્યાપક સ્તરે ગેરમાહિતી ફેલાવતું હોવાનો આક્ષેપ કર્યો હતો. બાંગ્લાદેશની વચગાળાની સરકારના ચીફ એડવાઈઝર મહંમદ યુનુસે પણ હિન્દુઓ પરના અત્યાચારોના બનાવમાં ભારત અતિશયોક્તિ ભર્યા પ્રચાર કરતુ હોવાનો દાવો કર્યો હતો. તેમના પ્રેસ સેક્રેટરી શફિકવુલ આલમે ભારતના આ કથિત ગેર માહિતી ફેલાવવાના અભિયાનનો જવાબ આપવા બાંગ્લાદેશના પત્રકારોને આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે આપણે આપણી વાત પણ રજૂ કરવી પડશે નહિતર ભારત તેને પસંદ આવે તે રીતે ઘટનાઓની રજૂઆત કરતું રહેશે.
તેમના આહવાન બાદ બાંગ્લાદેશના અનેક પત્રકારો મેદાનમાં આવી ગયા હતા. આલમ નામના એક પત્રકારે સોશિયલ મીડિયા પર લખ્યું કે ગેર માહિતી ફેલાવવાના ભારતના અભિયાનનો સામનો કરવાનો સમય આવી ગયો છે. તેમણે વધુમાં લખ્યું કે ભારતે સમજવું જોઈએ કે તેની પૂર્વ સરહદ પાર પણ હોશિયાર લોકો વસે છે, એવા લોકો જેમણે ઇતિહાસની એક સૌથી શ્રેષ્ઠ ક્રાંતિ દ્વારા ક્રૂર સરમુખત્યાર ને ઘર ભેગા કરી દીધા છે.
કોલકત્તાની હોસ્પિટલ બાંગ્લા દેશના દર્દીઓને દાખલ નહીં કરે
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાંકોલકાતામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. એ આંદોલનમાં તબીબો પણ જોડાયા છે. કોલકાતાના મનીકતાલા વિસ્તારમાં આવેલી જેન રાવ હોસ્પિટલે બાંગ્લાદેશના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ નહીં કરવાની જાહેરાત કરી હતી.
એ હોસ્પિટલના શુભાંશુ ભક્ત નામના અધિકારીએ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર અને ત્રિરંગાના અપમાનના વિરોધમાં હવે પછી એક પણ બાંગ્લાદેશે દર્દીને દાખલ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ કોલકાતામાં સારવાર માટે આવતા હોય છે.