સીબીઆઇની તપાસનું પરિણામ શું આવ્યું? કેમ કોઈની ધરપકડ નથી થતી? મુખ્યમંત્રી નો સવાલ
કોલકતામાં મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યાના બનાવને મોહરું બનાવી ભાજપ લાશો ઉપર રાજકારણ રમતું હોવાનો અને તપાસમાં વિલંબ કરી આ મુદ્દો સડક તો રાખવા માગતો હોવાનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો. સીબીઆઇની તપાસને 16 દિવસ થયા છતાં તપાસનું કોઈ પરિણામ કેમ નથી આવ્યું તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.
ટીએમસીની વિદ્યાર્થી પાંખના સ્થાપના દિવસ પ્રસંગે ઉદબોધન કરતાં તેમણે કહ્યું કે સચિવાલય ઉપરની કુચ અને બંગાળ બંધના એલાન દરમિયાન તોફાનો કરી લાશો બીછાવાનું ભાજપનું ષડયંત્ર હતું ભાજપ ન્યાય ની માંગણી કરે છે પણ ન્યાય છે ક્યાં? સીબીઆઇએ કેમ હજુ સુધી ન્યાય નથી કર્યો?
તેમણે ઉમેર્યું કે હું પીડિતાના પરિવારને ઘટનાના બે દિવસ બાદ મળી હતી અને તપાસ પૂર્ણ કરવા માટે રવિવાર સુધીનો સમય માગ્યો હતો પરંતુ કેસ cbi ને સોંપી દેવાયો. આજે એ વાતને પંદર દિવસ થયા પરંતુ સીબીઆઇએ હજુ સુધી કોઈની ધરપકડ નથી કરી. આ તે કેવો ન્યાય છે તેવો તેમણે સવાલ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપને પીડિતાની કે ન્યાયની કાંઈ ચિંતા નથી. એ કમનસીબ ઘટનાને આગળ ધરી ભાજપ પશ્ચિમ બંગાળને બદનામ કરી રહ્યો છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાનું ખાસ સત્ર બોલાવી અને બળાત્કારીઓને મૃત્યુ દંડ આપવાની જોગવાઈ કરતું બિલ રજૂ કરવાની જાહેરાત કરી હતી
ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ની ધરપકડ કેમ નથી થતી? અભિષેક બેનર્જી
ટીએમસીના મહામંત્રી અભિષેક બેનર્જીએ કહ્યું કે એક ખૂબ દુઃખદ ઘટના બની છે. આખું ભારત ન્યાય માગી રહ્યો છે ત્યારે ઉન્નાઓ, હાથરસ, કઠુઆ અને બાદલપુરની ઘટનાઓમાં જેના નેતાઓની સંડોવણી હતી એ ભાજપ લાશો ઉપરના રાજકારણમાં રત છે. તેમણે કોલકાતાના કેસનો સત્વરે નિકાલ કરવાની, પીડિતાના પરિવારજનોને ન્યાય અપાવવાની અને દોષિતોને સજા ફટકારવાની માગણી કરી હતી. સીબીઆઇએ આરજી કર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંજય ઘોષની ભ્રષ્ટાચારના કેસમાં હજુ સુધી ધરપકડ કેમ નથી કરી તેઓ સવાલ પણ તેમણે કર્યો હતો.