ચંદ્રશેખર રાવ માટે સત્તા ટકાવવાનો પડકાર: કોંગ્રેસ માટે ઉદય ની તક
તેલંગણા વિધાનસભાની 119 બેઠકો માટે આજે મતદાન
કિંગમેકર બનવાનો ભાજપનો વ્યુહ
તેલંગણા વિધાનસભાની 119 બેઠકો માટે આજે મતદાન થશે. દક્ષિણના આ રાજ્યની ચૂંટણી અનેકવિધ સંદર્ભે ખુબ મહત્વ ધરાવે છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને એમની પાર્ટી બીઆરએસ માટે આ ચૂંટણી સત્તા ટકાવવાના જંગ સમાન છે. કર્ણાટકની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ કોંગ્રેસ માટે દક્ષિણ ભારતના આ બીજા રાજ્યમાં પગદંડો મજબૂત કરવાની તક છે. તો કર્ણાટકમાં સતા ગુમાવ્યા બાદ ભાજપ માટે દક્ષિણ ભારતમાં ઓળખ અને અસ્તિત્વ ટકાવવાનો પડકાર છે. એ પણ યાદ કરવું જરૂરી છે કે કર્ણાટક બાદ દક્ષિણના આ એક માત્ર રાજ્યમાં ભાજપે પ્રમાણ માં નોંધપાત્ર કહી શકાય તેવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ચૂંટણીમાં ભાજપની ભૂમિકા અને ભાજપના પર્ફોર્મન્સ પર બધાની નજર રહેશે.
2014માં આંધ્ર પ્રદેશમાંથી તેલંગણા અલગ રાજ્ય બન્યું ત્યારથી ચંદ્રશેખર રાવ નું એકચક્રી રાજ તપે છે. આ વખતે તેમની સામે કોંગ્રેસ તરફથી ગંભીર પડકાર ઉભો થયો છે અને કેટલાક રાજકીય વિશ્લેષકો સત્તા પરિવર્તનની આગાહી કરી રહ્યા છે ત્યારે પણ વિવિધ સર્વેમાં ચંદ્રશેખર રાવ રાજ્યના સર્વોચ્ચ અને સર્વાધિક લોકપ્રિય નેતા હોવાનું તારણ નીકળ્યું છે. શું તેમની આ લોકપ્રિયતા ચૂંટણીની વૈતરણી પાર કરવામાં મદદરૂપ થશે? દક્ષિણના રાજ્યોમાં કોંગ્રેસની વિજયકૂચ આગળ ધપશે? 2019 ની લોકસભાની ચૂંટણીમાં ચાર બેઠકો ઉપર વિજય મેળવનાર ભાજપ પોતાનું સ્થાન ટકાવી શકશે? આ ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળશે કે ત્રિશંકુ વિધાનસભા બનશે? અને એવું બને તો શું ભાજપ કિંગ મેકર બનશે? આ બધા સવાલોના જવાબ ચૂંટણીના પરિણામ નક્કી કરશે.
તેલંગણાની ચૂંટણી વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીનું રાષ્ટ્રીય સ્તરે રાજકીય કદ નક્કી કરવામાં પણ નિમિત બનશે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી અવગણી ન શકાય તેવા નેતા તરીકે ઉભરી આવ્યા છે અને એ યાત્રાને પગલે કોંગ્રેસમાં નવા જોમ અને જુસ્સાનો સંચાર થયો છે એ ઇનકાર ન કરી શકાય તેવી હકીકત છે. કર્ણાટકના વિજયમાં એ યાત્રા અને રાહુલ ગાંધીની ભૂમિકા નિર્વિવાદ પણે ખૂબ મહત્વની હતી. જો તેલંગાણામાં કોંગ્રેસ સત્તા મેળવશે અથવા તો નોંધપાત્ર સંખ્યામાં ગત વિધાનસભાની ચૂંટણી કરતા વધારે બેઠકો અને વધારે વોટ શેર પ્રાપ્ત કરવામાં સફળ થશે તો તે રાહુલ ગાંધીના નેતૃત્વની કમાલ હશે. લોકસભાની અગામી ચૂંટણી પૂર્વે દક્ષિણના રાજ્યોમાં કોંગ્રેસની સુધરેલી સ્થિતિ આંકડાઓની રમતમાં નવા સમીકરણો રચશે.ત્રીજી તારીખે તેલંગણા સહિત તમામ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ પરિણામોની દેખીતી રીતે જ 2024 ની લોકસભાની ચૂંટણી પર અસર વર્તાશે
લોકસભા ની ચૂંટણીમાં ભાજપે ચમત્કાર સર્જ્યો હતો
2014 ની વિધાનસભા ની ચૂંટણીમાં પાંચ બેઠકો પર વિજય મેળવનાર ભાજપને 2018 ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર એક જ બેઠક મળી હતી. તેના 100 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. પણ બાલાકોટ એર સ્ટ્રાઈકના ઓછાયામાં યોજાયેલી 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના વોટ શેરમાં 14 ટકાનો અસાધારણ વધારો થયો હતો અને ચાર બેઠકો પર ભગવો લહેરાયો હતો. એ પરિણામો બાદ તેલંગણામાં ભાજપ મજબૂત પરિબળ તરીકે ઉભરી આવ્યો હતો. નોંધનીય છે કે એ ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતા ઓછી એટલે કે ત્રણ જ બેઠક મળી હતી. અદીલાબાદ, કરીમનગર, નિઝામાબાદ અને સિકંદરાબાદ ની લોકસભા ની બેઠકો પર મળેલા વિજય બાદ ઉત્તર તેલંગાણામાં ભાજપ એક ખૂબ શક્તિશાળી વિકલ્પ બની ગયો હતો. 2020 માં ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 150 માંથી 98 બેઠક પર ભાજપે વિજય મેળવ્યો હતો.
જોકે 2019ની લોકસભાની ચૂંટણીના અણધાર્યા વિજય બાદ ભાજપમાં જૂથબંધી અને આંતર કલહનું દુષણ વ્યાપક બન્યું હતું. કરીમનગરના સાંસદ બંદી સંજય કુમારને તેલંગણામાં ભાજપના સૌથી વધારે લોકપ્રિય અને સમર્થ નેતા માનવામાં આવે છે પણ ચૂંટણીના ચાર મહિના પહેલા જ પ્રમુખ પદેથી તેમને હટાવવામાં આવતા કાર્યકરોના જુસ્સા ઉપર અસર થઈ છે.
ભાજપની રણનીતિ
તેલંગાણામાં પણ ભાજપની રણનીતિમાં હિન્દુત્વ કેન્દ્ર સ્થાને રહ્યું હતું. રામ મંદિર નિર્માણનો મુદ્દો ગાજતો રહ્યો હતો. મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ ના રોડ શોમાં જય શ્રી રામના નારા ગાજતા રહ્યા હતા. મોદીએ તિરુમાલા મંદિરમાં દર્શન પણ કર્યા હતા. મોદી અને ભાજપના અન્ય નેતાઓએ ચંદ્રશેખર રાવ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરી ભાજપ સત્તા ઉપર આવશે તો બધા ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરી દેવાનો હુંકાર કર્યો હતો. કોંગ્રેસના વંશવાદ ભ્રષ્ટાચાર વગેરે જેવા મુદ્દાઓ રાબેતા મુજબ ભાજપના ચૂંટણી પ્રચારમાં અગ્રસ્થાને હતા.
ભાજપ કયા વિસ્તારોમાં મજબૂત?
2019 ની લોકસભાની ચૂંટણીમાં 20 વિધાનસભા ક્ષેત્રોમાં ભાજપ પ્રથમ સ્થાને હતો.ત્યાં ભાજપનું સંગઠન પણ મજબૂત છે. ભાજપે આ ચૂંટણીમાં 111 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા છે પણ મુખ્યત્વે તેણે 40 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ એવી બેઠકો છે કે જ્યાં ત્રિપાખીયા જંગમાં ભાજપ બીજા સ્થાને મુખ્ય પક્ષને પડકાર આપવાની સ્થિતિમાં છે. તેમાં નિઝામાબાદ, કરીમનગર, આદિલાબાદ, ગ્રેટર હૈદરાબાદ, મહેબૂબ નગર અને વારંગલ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ બેઠકો પર વિજય મેળવવા ની રણનીતિના ભાગરૂપે ભાજપે ત્રણ સાંસદોને ઉમેદવાર બનાવ્યા છે. જો ભાજપ 10 થી 15 બેઠકો ઉપર વિજય મેળવશે તો સરકારની રચનામાં તે કિંગ મેકર બનશે તેવું માનવામાં આવે છે.
આ કારણ છે કે AIMIM ભાજપની B ટીમ કહેવાય છે.
તેલંગણામાં હૈદરાબાદ વિસ્તારની સાત બેઠકો પર અસરુદ્દીન ઓવેસી ના પક્ષ એઆઈએમઆઈએમ નો દબદબો છે.એ વિસ્તારને બાદ કરતાં તેલંગણામાં પણ એ પક્ષનું અસ્તિત્વ નથી અને છતાં ઓવેસી અન્ય તમામ રાજ્યોમાં મુસ્લિમ ઉમેદવારોને મોટી સંખ્યામાં ઉભા રાખે છે.પણ જોવાની ખૂબી એ છે કે પોતાના હોમ સ્ટેટમાં ઓવેસીએ માત્ર નવ બેઠકો ઉપર જ ઉમેદવાર ઊભા રાખ્યા છે.
ચંદ્રશેખર રાવ સામે પ્રથમ વખત ગંભીર પડકાર
સતત બે ટર્મના શાસન બાદ ચંદ્રશેખર રાવલ એન્ટી ઇન્કમબન્સી નો સામનો કરી રહ્યા છે. તેમની સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે. દિલ્હી લીકર કેસમાં તેમના પુત્રી સામે આક્ષેપો હોવા છતાં કેન્દ્ર સરકારે અપનાવેલા ઢીલા વલણને કારણે ચંદ્રશેખર રાવ અને ભાજપ વચ્ચે ગુપ્ત સમજૂતી હોવાની આશંકા ફેલાઇ છે. તેમની પરંપરાગત મુસ્લિમ વોટ બેન્ક આ વખતે કોંગ્રેસ તરફ ઢળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ટીડીપી મેદાનમાં ન હોવાને કારણે તેલંગણામાં વસતા આંધ્રવાસીઓ કોંગ્રેસને ટેકો આપી રહ્યા છે. રાહુલ અને પ્રિયંકા ગાંધી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. આ સંજોગોમાં પ્રથમ વખત ચંદ્રશેખર રાવ સામે ગંભીર પડકાર ઊભો થયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
તેલંગણા નો રાજકીય ઇતિહાસ
અલખ તેલંગણા રાજ્ય બન્યા બાદ 2014 અને 2018 ની વિધાનસભાની ચૂંટણીમાં ચંદ્રશેખર રાવ ની પાર્ટી ટી.આર.એસ નો વિજય થયો હતો. બાદમાં રાષ્ટ્રીય સ્તરે પાંખ ફેલાવવાની મહેચ્છા સાથે ચંદ્રશેખર આવે પક્ષનું નામ બદલીને ભારત રાષ્ટ્રીય સમિતિ રાખ્યું હતું. 2018ની ચૂંટણીમાં કોંગ્રેસ, અલગ તેલંગણા રાજ્ય માટે ચળવળ ચલાવનાર તેલંગણા જન સમિતિ, ચંદ્રબાબુ નાયડુ ની પાર્ટી ટીડીપી તથા સીપીઆઈ નું ગઠબંધન હતું.જો કે ચંદ્રશેખર આવે 119 માંથી 88 બેઠકો પર વિજય મેળવી એ ગઠબંધનને કારમો ઝાટકો આપ્યો હતો. તેલંગાણા ના રાજકારણમાં તબક્કાવાર ચંદ્રાબાબુ નાયડુ અને ટીડીપી નો અસ્ત થતો રહ્યો છે. આ ચૂંટણીમાં તો ટીડીપી એ ભાગ પણ નથી લીધો. એ બન્ને ચૂંટણીના આંકડા વાર પરિણામો આ મુજબ છે.
2014:
ટીઆરએસ 63 બેઠક
કોંગ્રેસ 21 બેઠક
ટીડીપી 15 બેઠક
AIMIM 7 બેઠક
ભાજપ 5 બેઠક
2018:
TRS 88 બેઠક
કોંગ્રેસ-19 બેઠક
ભાજપ 1 બેઠક
AIMIM 7 બેઠક
ટીડીપી 2 બેઠક