એક સમય હતો જ્યારે રાજકોટમાં માત્ર શિયાળામાં જ ચીકી બનતી અને ખવાતી, હવે બારેય માસ ચીકીનું જ જોવા મળે છે `રાજ’: રાજકોટ એકમાત્ર એવું શહેર જ્યાં માત્રને માત્ર ગોળથી ચીકી બને છે (જો કે અમુક જગ્યાએ ખાંડથી બનેલી ચીકી પણ હોય છે)
જાણીને આશ્ચર્ય થશે કે હવે તો ચોમાસામાં પણ ચીકીનો `ઉપાડ’ એટલો જ વધ્યો છે, કારણ; અહીંનું સુકું વાતાવરણ ચીકીને માફક આવે છે: મિઠાઈ ૧૦ દિ’માં બગડી જાય જ્યારે ચીકીનું આયુષ્ય બે મહિના સુધીનું છે
રાજકોટે ચીકીનો ટેસ્ટ કર્યાને પોણી સદી વીતવા આવી છતાં તેના ટેસ્ટમાં ક્યારેય ફેરફાર આવ્યો નથી: હા, માપ-સાઈઝ અને બનાવટમાં થોડો-ઘણો સુધારો થયો છે: અત્યારે રાજકોટમાં ૩૨૦થી લઈ ૧૪૦૦ રૂપિયાની કિલો ચીકીનું બમ્બાટ વેચાણ
હુસેન ભારમલ, રાજકોટવૉઈસ ઑફ ડે'ની
ફૂડ સ્પેશ્યલ એક્સપ્રેસ’ના આ એપિસોડમાં નાના બાળકથી લઈ વયોવૃદ્ધ એમ બધા માટેની ફેવરિટ' એવી ચીકીની પ્રસ્તુતિ કરવામાં આવી છે. ચીકી...આ વાનગી આમ તો મુળ મહારાષ્ટ્રની પરંતુ રાજકોટમાં આવ્યાને તેને પોણી સદી વીતવા આવી છે. એકંદરે સ્વાદમાં
સુપરડુપર’ અને સ્વાસ્થ્ય માટે સુપર સે ઉપર' ગણાતી આ વાનગી રાજકોટમાં કિલો નહીં બલ્કે ટનબદ્ધ ખવાઈ રહી છે. એક સમય હતો જ્યારે રાજકોટમાં માત્ર શિયાળામાં જ ચીકી બનતી અને ખવાતી પરંતુ હવે બારેય માસ ચીકીનું જ
રાજ’ જોવા મળે છે. રાજકોટ એકમાત્ર એવું શહેર છે જ્યાં માત્રને માત્ર ગોળથી ચીકી બને છે (જો કે શહેરમાં અમુક જગ્યાએ ખાંડથી બનેલી ચીકી પણ હોય છે) વાંચકોને જાણીને આશ્ચર્ય થશે કે હવે તો ચોમાસામાં પણ ચીકીનો `ઉપાડ’ એટલો જ વધ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે અહીંનું સુકું વાતાવરણ ચીકીને માફક આવે છે. ખાસ કરીને મિઠાઈ ૧૦ દિ’માં બગડી જાય જ્યારે ચીકીનું આયુષ્ય બે મહિના સુધીનું છે એટલા માટે લોકો ચીકીના ખાવા ઉપર વધુ ભાર આપી રહ્યા છે. રાજકોટમાં પોણી સદીથી ચીકી બની રહી છે અને વેચાઈ રહી છે પરંતુ તેના સ્વાદમાં કોઈ પ્રકારનો ફરક આવ્યો નથી, ફરક આવ્યો હોય તો તે માત્ર તેની માપ-સાઈઝમાં જ આવ્યો છે. અત્યારે રાજકોટમાં ૩૨૦ રૂપિયાથી લઈ ૧૪૦૦ રૂપિયા સુધીની ૨૦થી વધુ પ્રકારની ચીકી ખવાઈ રહી છે.
રાજકોટને ચીકીનો સૌથી પહેલો ટેસ્ટ જલારામ ચીકીએ કરાવ્યો’તો
રાજકોટમાં ચીકીના વેચાણને વર્ષો વીતી ગયા ત્યારે એ સવાલ જરૂર ઉદ્ભવે કે આખરે ચીકીનો સૌથી પહેલો ટેસ્ટ કરાવ્યો કોણે ? આ વાતનો જવાબ છે જલારામ ચીકી…જ્યારે અત્યારે શહેરમાં રાજેશ ચીકી, હાશ ચીકી, મોહિની ચીકી સહિતની અનેક મોટી દુકાનો છે જ્યાંથી કિલોમોઢે ચીકી વેચાઈ રહી છે.
એક સમય હતો જ્યારે ચીકીના મોટા કટકા થતા, હવે ૨ બાય ૨ની જ બને છે
રાજેશ ચીકીના પરિમલભાઈ પંડ્યાએ `વૉઈસ ઑફ ડે’ની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટમાં એક સમય હતો જ્યારે ચીકી એક મોટા થાલામાં બનતી હતી અને તેના માપ-સાઈઝ વગરના કટકા કરીને થેલીમાં ભરી દેવામાં આવતી હતી પરંતુ હવે બનતી ચીકી ૨ બાય ૨ની જ બનાવવામાં આવે છે અને તેનું વ્યવસ્થિત બોક્સ પેકિંગ પણ થવા લાગ્યું છે.
સીંગથી લઈ કાજુ-બદામની ચીકી લોકો માટે ફેવરિટ
રાજકોટમાં અત્યારે સીંગ, દાળિયા, તલ, સીંગલ ટોપરું, ટોપરા ઉપરાંત કાજુ, બદામથી બનેલી ૨૦ પ્રકારની ચીકી વેચાઈ રહી છે ત્યારે આ પૈકીની દરેક વેરાયટથી લોકો માટે ફેવરિટ જ છે.
ગર્વ લેવા જેવી વાત: સોમનાથ મંદિરમાં પણ ચડે છે રાજકોટની ચીકીનો પ્રસાદ
રાજકોટ માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે રાજકોટની ચીકીનો પ્રસાદ છેલ્લા ૧૫ વર્ષથી લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જેમનામાં રહેલી છે તેવા સોમનાથ મંદિરમાં ચડી રહ્યો છે. આ ચીકી રાજકોટની રાજેશ ચીકીમાંથી જ બનીને સપ્લાય થાય છે.
મહારાષ્ટ્રની ચીકીમાં ગ્લુકોઝ લીક્વીડ-ખાંડ વપરાય, રાજકોટમાં આવું કંઈ જ નહીં
પરિમલભાઈ પંડ્યાએ જણાવ્યું કે મહાષ્ટ્રમાં બનતી ચીકીમાં ગ્લુકોઝ લીક્વીડ, ખાંડનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવે છે કેમ કે ત્યાંનું વાતાવરણ એ પ્રકારનું છે. જો કે રાજકોટમાં બનતી ચીકીમાં માત્રને માત્ર ગોળ જ વાપરવામાં આવે છે.
રાજકોટમાં ચીકીનું દરરોજ પાંચથી સાત ટન વેચાણ
એક અંદાજ પ્રમાણે રાજકોટમાં વિવિધ પ્રકારની ચીકીનું દરરોજ પાંચથી સાત ટન વેચાણ થઈ રહ્યું છે. જેમ જેમ શિયાળો જમાવટ કરતો જશે તેમ તેમ તેના વેચાણમાં વધારો થતો જશે.
સૌથી મોટો ફાયદો: ગૃહ ઉદ્યોગ ગણાતો હોવાથી મહિલાઓને મળે છે રોજગારી
ચીકીના વેચાણમાં ઉછાળો આવવાનો સીધો ફાયદો મહિલાઓને મળે છે. ચીકીનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગમાં ગણાતું હોવાથી તેમાં અનેક મહિલાઓને રોજગારી મળી રહી છે. ખાસ વાત એ છે કે આ માટે તેમને ભણતરની કોઈ જ જરૂર રહેતી નથી.