ડીસાના અગ્નિકાંડમાં 18 લોકો જીવતા ભૂંજાયા : ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં આગ,પ્રચંડ વિસ્ફોટના કારણે શરીરના ટુકડા થઈ ગયા
ગુજરાતમાં વધુ એક અગ્નિકાંડની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના ડીસામાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભયાનક આગ લાગતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ફેક્ટરીમાં લાગેલી આ આગ 18 જિંદગીને ભરખી ગઈ છે. ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં દારૂગોળામાં પ્રચંડ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ગોડાઉનનું ધાબુ જમીનદોસ્ત થઈ ગયું હતું. બ્લાસ્ટ થતા ફેક્ટરીમાં કામ કરી રહેલા શ્રમિકો ગંભીર રીતે દાજ્યા હતા. જેમા 18 જેટલા શ્રમિકના મોત નિપજ્યાં છે. ત્યારે આ મામલે કલેકટરે તપાસના આદેશ આપ્યા છે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતને દોડાવ્યા છે.

શું છે સમગ્ર ઘટના ??
મળતી વિગતો અનુસાર આ ઘટના બનાસકાંઠા જિલ્લાના ડીસાની છે જ્યાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે દારૂગોળામાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ભયંકર આગ લાગી હતી. જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. આ સાથે જ 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો, જે હટાવવા માટે JCBની મદદ લેવાઈ હતી. વિસ્ફોટના કારણે ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું હતું. આ અગ્નિકાંડમાં 18 મજૂરોની જિંદગી હોમાઈ ગઈ છે.

ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદના દ્રશ્યો કાળજું કંપાવનારા

ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદના દ્રશ્યો કાળજું કંપાવનારા છે. મૃતદેહોની લાઈનો જોઈને હૈયું હચમચી જાય છે. ત્યારે આ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપીને જણાવ્યું છે કે ડીસાની ફટાકડા ફેક્ટરી પાસે લાઈસન્સ જ ન હતું. ફેક્ટરી માલિક દીપક સિંધી હાલ ફરાર તેમજ બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખુબજ ગંભીરતાથી લીધી છે. તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. સાથે બનાસકાંઠા જિલ્લના કલેક્ટર અને પ્રભારી મંત્રી સાથે પણ વાતચીત કરી હતી અને બચાવ કામગીરી ઝડપી કરવા સૂચના આપી હતી.તેમણે સ્થાનિક અધિકારીઓને સૂચન કર્યુ હતું કે આ ઘટનામાં શક્ય તમામ મદદ તાકીદે પુરી પાડવામાં આવે.
તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 18 મજૂરનાં મોત થયાં છે. મૃતકોમાં ચારથી પાંચ કિશોરનો પણ સમાવેશ થાય છે. તમામ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું અનુમાન છે. મળતી માહિતી પ્રમાણે આ શ્રમિકો હાલમાં જ પૈસા કમાવવા માટે અહીં જોડાયા હતા અને મજૂરી કરતાં. ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઇ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગ્યાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. મુખ્યમંત્રીએ આ મામલે તપાસના આદેશ આપી દીધા છે તેમજ મુખ્યમંત્રીએ સહાયની પણ જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાય કરાઈ જાહેર ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય કરશે સરકાર ઘટના માં બચાવ સહિતની કામગીરી મુદ્દે મુખ્યમંત્રી સતત વહીવટી તંત્રના સંપર્કમાં ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તેવા આદેશ આપ્યા છે: મુખ્યમંત્રી મૃતકોના પરિવારજનોને પ્રત્યે મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી છે.
ફેક્ટરી માલિક અંગે ચોંકાવનારો ખુલાસો
આ બ્લાસ્ટ બાદ ફેક્ટરી માલિક અંગે ચોંકાવનારો ખૂલાસો થયો છે. ફેક્ટરી માલિકે ફટાકડા વેચાણ માટેની મંજૂરી લીધેલી હતી. દીપક ટ્રેડર્સ નામની આ ફેક્ટરીમાં વિસ્ફોટક સામગ્રી લાવીને ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. ઘટના બાદ ફેક્ટર માલિક ફરાર થઈ ગયો છે. જો કે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ફેક્ટરીમાં કામ કરતા તમામ શ્રમિકો બહારથી આવેલા હતા. મૃતકોમાં 10થી વધુ પુરુષો, 4 મહિલા અને 3 સગીરનો સમાવેશ થાય છે.