દારૂના ધંધાની લાલચ આપી અવાવરું જગ્યાએ લઈ જઈ પથ્થરના ઘા ઝીંક્યા, 33 વર્ષીય યુવકનું રાજકોટ સારવારમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો
ગોંડલના દેવપરા વિસ્તારમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા 33 વર્ષીય યુવાનની તેની જ પત્ની અને પત્નીના પ્રેમીએ કાવતરું રચીને હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુધવારે વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં મળેલા યુવકનું ગુરુવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: જંગલેશ્વર પાસેની ૩૦ સોસાયટીમાં અશાંતધારાની અવધિ પૂર્ણ: મુદત વધારવા કલેક્ટરની દરખાસ્ત
બનાવની વિગતો અનુસાર ગોંડલના દેવપરામાં રહેતા ૩૨ વર્ષીય વેપારી યાસિનભાઈ ઇબ્રાહીમભાઈ કબીરે પોલીસમાં જણાવ્યું હતું કે, તેમના મોટા ભાઈ જુનેદ ઈબ્રાહીમ કબીર (ઉં.વ. ૩૩)ના બીજા લગ્ન પ્રભાસ પાટણની નામીયાબાનું (ઉં.વ. ૨૩) સાથે થયા હતા અને તેમને ૪ વર્ષની એક દીકરી છે. જુનેદ મોવિયા રોડ પર પ્રોવિઝન સ્ટોર ચલાવતો હતો.
બુધવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભાભી નામિયાબાનુએ ફોન કરીને જુનેદ ઘરે ન આવ્યો હોવાનું નાટક કર્યું હતું. બાદમાં સવારે સાડા છ વાગ્યે માસીના દીકરા નવાઝનો ફોન આવતા યાસિનભાઈ ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં જુનેદ લોહીલુહાણ અને બેભાન હાલતમાં હતો. વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગુરુવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ચાલુ સારવારમાં તેનું મોત નીપજ્યું હતું.જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસના પીઆઈ યુ.આર. ડામોરે શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ કરતા પોલીસને બાતમી મળી હતી કે જુનેદની પત્ની નામીયાબાનુને પાડોશમાં રહેતા આસિફ સતાર ડેલા( ઉંમર 31)સાથે પ્રેમ સંબંધ છે.
પોલીસે આસિફની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે,નામીયાબાનુએ આસિફને ફરિયાદ કરી હતી કે જુનેદ તેને ખૂબ ત્રાસ આપે છે અને તે તેનાથી કંટાળી ગઈ છે. જેથી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને જુનેદને રસ્તામાંથી કાયમ માટે હટાવવાનું નક્કી કર્યું હતું.પ્લાન મુજબ, આસિફે જુનેદને દારૂના ધંધામાં શોર્ટ-કટથી પૈસા કમાવવાની લાલચ આપી હતી. “દારૂનો માલ ઉતરે છે” તેમ કહીને તે જુનેદને રાત્રિના સમયે ડૈયા ગામની સીમમાં નદીકાંઠે લઈ ગયો હતો. ત્યાં અવાવરું જગ્યાનો લાભ ઉઠાવી આસિફે જુનેદના માથામાં પથ્થર અને બેલાના ઘા ઝીંકી દીધા હતા અને તેને ત્યાં જ મરવા માટે છોડી દીધો હતો.પોલીસે આરોપી આસિફ અને મૃતકની પત્ની નામીયાબાનુંની ધરપકડ કરી હતી. તેમજ અગાઉ નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં હવે હત્યા ની કલમ ઉમેરવાની કાયદેસરની તજવીજ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
