ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત
મહિલા દર્દીને સારવાર માટે રાજકોટ લાવતી વખતે બનેલો બનાવ
અકસ્માતમાં સાળી અને બનેવી ઘાયલ
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં મહિલા દર્દીની નજર સામે જ બહેન, પુત્રી અને ડ્રાયવરનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
રાજકોટના રણુજા નગરમાં રહેતી ગીતાબેન જયેશ મીયાત્રા (ઉ.વ.45) પતિ જયેશ સાથે ચોટીલાના રાજપરા ગામે રહેતા મોટીબહેન કાજલબેન હરેશભાઈ મકવાણા (ઉ.વ.45)ની તબિયત સારી ન રહેતી હોય ખબર કાઢવા ચોટીલા રાજપરા ગામે ગયા હતા. ત્યારે કાજલને પડખામાં દુ:ખાવો ઊપડતાં ચોટીલા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા તબીબોએ વધુ સારવાર અર્થે ખસેડવાનું કહેતા ચોટીલામાંથી એમ્બ્યુલન્સ ભાડે કરી દર્દી કાજલબેનને સારવાર અર્થે રાજકોટ લાવવા માટે નીકળ્યા હતા આ એમ્બ્યુલન્સમાં બંને બહેનો કાજલ અને ગીતાબેન તેમજ કાજલબેનની પુત્રી પાયલ અને ગીતાબેનના પતિ જયેશભાઈ સાથે રાજકોટ તરફ આવતા હતા ત્યારે ચોટીલા પાસે આપાગીગાના ઓટલા પાસે આગળ જતાં ટ્રક ચાલકે હોટલ તરફ જવા માટે ઓચીંતા વણાંક લેતા પાછળથી પુરઝડપે આવતી એમ્બ્યુલન્સ ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી.જે
આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાયવર વિજયભાઈ જીવાભાઈ બાવળિયા (ઉ.વ.39) અને પાયલબેન હરેશભાઈ મકવાણા (ઉ.વ.18) અને તેની માસી રાજકોટના ગીતાબેન જયેશભાઈ મીયાત્રા (ઉ.વ.45)નું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે મહિલા દર્દી કાજલબેન તેમજ બનેવી જયેશભાઈ મીયાત્રાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ચોટીલા હાઈવે પર ટ્રાફિકના જ્યાં થઈ ગયો હતો. ચોટીલા પોલીસે ઘટના સ્થળે જઈ ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ગીતાબેને થોડા સમય પહેલા રાજકોટના રણુજા નગરમાં રહેતા જયેશ મીયાત્રા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને પતિ કલરકામ કરે છે જ્યારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે